આ વિજય માત્ર ચૂંટણી જીત નથી પરંતુ લોકોના મનમાં ભાજપ પ્રત્યે ઊભી થયેલી નિર્ભરતાનો પુરાવો છે : સાંસદ વિનોદ ચાવડા
કચ્છ, 29 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના મજબૂત સંગઠન અને મતદારોના વધતા વિશ્વાસને સ્પષ્ટ કરી દીધો છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા
ભાજપની પત્રકાર પરિષદ


ભાજપની પત્રકાર પરિષદ


ભાજપની પત્રકાર પરિષદ


કચ્છ, 29 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના મજબૂત સંગઠન અને મતદારોના વધતા વિશ્વાસને સ્પષ્ટ કરી દીધો છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી તમામ મહત્વની સંસ્થાઓમાં ભાજપે નોંધપાત્ર પ્રદર્શન કરતાં કચ્છના રાજકીય પરિસરમાં એકતરફી દબદબો સ્થાપ્યો છે. પરિણામો જાહેર થયા બાદ ભુજ સ્થિત કચ્છ કમલમ્ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના આગેવાનો દ્વારા આ વિજયને કચ્છની જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવી આગામી સમયમાં વિકાસકાર્યોને વધુ વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કચ્છની જનતાએ સ્થાનિક સ્વરાજ્યની દરેક કક્ષાએ ભાજપને જંગી સમર્થન આપીને પક્ષ પ્રત્યેનો વિશ્વાસ ફરી એકવાર વ્યક્ત કર્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મળેલા મતફલિતોએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપની નીતિ, સંગઠનશક્તિ અને વિકાસમુખી અભિગમને લોકોનો બહોળો સ્વીકાર મળ્યો છે. જિલ્લા પંચાયતની કુલ 39 બેઠકોમાંથી 30 બેઠક પર પક્ષે વિજય હાંસલ કર્યો છે, જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં 41 બેઠકો ભાજપના ફાળે જતાં શહેરી મતદારોનો ઝુકાવ પણ ભાજપ તરફ મજબૂત બન્યો છે. આ ઉપરાંત જિલ્લાની નગરપાલિકાઓની 172 બેઠકોમાંથી 134 બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા બનતાં કચ્છના શહેરોથી લઈને ગામડાં સુધી પક્ષનો પ્રભાવ વ્યાપક રીતે દેખાયો છે.

દેવજીભાઈ વરચંદે વધુમાં જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં જ્યાં ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો તેવા અબડાસા અને લખપત જેવા વિસ્તારોમાં આ વખતે જીત નોંધાવવી એ માત્ર રાજકીય સફળતા નથી પરંતુ સંગઠનની જમીન સ્તરની મહેનતનું પરિણામ છે. અનેક એવા વિસ્તારો જ્યાં વર્ષોથી ભાજપનો પ્રભાવ મર્યાદિત હતો ત્યાં પણ મતદારોના વધેલા સમર્થને પક્ષને નવી રાજકીય ઊંચાઈ અપાવી છે. પરિણામે સમગ્ર કચ્છમાં ભાજપની સાર્વત્રિક જીતનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આ ઐતિહાસિક પરિણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેશભરમાં વધી રહેલા ભાજપના જનાધાર સાથે જોડતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રસ્તરે જેમ વિકાસ, સુશાસન અને વિશ્વાસના આધાર પર ભાજપ મજબૂત બની રહ્યો છે, તેમ કચ્છના મતદારોએ પણ એ જ દિશામાં પોતાનો મત આપ્યો છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્તરે ઉમેદવારોને મળેલો જ્વલંત વિજય માત્ર ચૂંટણી જીત નથી પરંતુ લોકોના મનમાં ભાજપ પ્રત્યે ઊભી થયેલી નિર્ભરતાનો પુરાવો છે. ગ્રામ્યથી શહેરી દરેક વિસ્તારમાં પક્ષના ઉમેદવારોને મળેલા સમર્થન બદલ તેમણે કચ્છની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે દરેક ચૂંટણી પક્ષને નવો પાઠ ભણાવતી હોય છે, પરંતુ આ વખતે મળેલા પરિણામોએ સાબિત કર્યું છે કે વિકાસના એજન્ડાને કચ્છના મતદારો દ્વારા મજબૂત સ્વીકાર મળ્યો છે. માંડવી નગરપાલિકામાં ભાજપને મળેલા જંગી સમર્થનને કારણે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે અને હવે માંડવી કોંગ્રેસમુક્ત બની છે. તેમણે વધુમાં કહ્યું કે નારાયણ સરોવરથી આડેસર સુધી ભાજપનો ભગવો લહેરાયો છે, જે દર્શાવે છે કે સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકો વિકાસકાર્યોને આધારે મતદાન કરી રહ્યા છે. લખપત અને અબડાસા તાલુકા પંચાયતોમાં પક્ષને મળેલી જીત એ વર્ષોથી ચાલી આવતી રાજકીય ગણિતને બદલી નાખે તેવો સંદેશ આપે છે.

ચૂંટણીના આ ભવ્ય પરિણામો બાદ ભુજ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ઢોલ-નગારાં, ફટાકડા અને વિજયોત્સવ વચ્ચે પક્ષના નેતાઓએ આ જીતને લોકશાહીમાં જનઆશીર્વાદ તરીકે વર્ણવી હતી. સમગ્ર જિલ્લામાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ મારફતે વધુ ઝડપી વિકાસનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તેમ છતાં ભાજપના ગઢ માનાતી કેટલીક બેઠકો પર થયેલા પરાજય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં દેવજીભાઈ વરચંદે સ્વીકાર્યું હતું કે હાર-જીત લોકશાહીનો હિસ્સો છે અને જ્યાં પક્ષને અપેક્ષિત સમર્થન મળ્યું નથી ત્યાં કારણોની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવશે. રતનાલ અને નિરોણા જેવી બેઠકો પર થયેલા પરાજય સાથે કોંગ્રેસની કેટલીક વધેલી બેઠકોને ધ્યાનમાં રાખી સંગઠન અંદરથી મન્થન કરશે, લોકોની અપેક્ષાઓ ક્યાં અધૂરી રહી અને કયા મુદ્દાઓ પર વધુ કાર્ય કરવાની જરૂર છે તેની ચોક્કસ સમીક્ષા હાથ ધરાશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભાજપ ફરી વધુ નવી તાકાત, વધુ મજબૂત આયોજન અને વિકાસના સ્પષ્ટ એજન્ડા સાથે જનતા વચ્ચે પહોંચશે.

કચ્છની આ ચૂંટણી માત્ર રાજકીય જીત સુધી મર્યાદિત નથી રહી, પરંતુ જિલ્લાના રાજકારણમાં ભાજપના વધતા પ્રભાવ, સંગઠનના વિસ્તરણ અને વિકાસના મુદ્દા પર જનતાની મોહર તરીકે જોવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોથી લઈને મહાનગર સુધી મળેલા આ જંગી સમર્થને કચ્છમાં ભાજપ માટે નવા રાજકીય અધ્યાયના દ્વાર ખોલ્યા છે. હવે નજર એ પર રહેશે કે જનતાએ મૂકેલા આ વિશાળ વિશ્વાસને પક્ષ સ્થાનિક શાસન અને વિકાસના કાર્યોમાં કેટલી અસરકારક રીતે રૂપાંતરિત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande