નખત્રાણા પંચાયતોમાં ભાજપનો બહુમતી કબ્જો, છતાં કેટલાંક ગઢોમાં કોંગ્રેસની જોરદાર ઘૂસણખોરી
કચ્છ, 29 એપ્રિલ (હિ.સ.) : કચ્છના રાજકીય દ્રષ્ટિએ અગત્યના નખત્રાણા તાલુકામાં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સત્તાધારી ભાજપને શાસનધૂરા તો સોંપી છે, પરંતુ સાથે સાથે સંગઠન માટે ચિંતાના સંકેતો પણ આપ્યા છે. તાલુકા પંચાયતની કુલ 18 બ
નખત્રાણા ચૂંટણી પરિણામો


નખત્રાણા ચૂંટણી parinamo


કચ્છ, 29 એપ્રિલ (હિ.સ.) : કચ્છના રાજકીય દ્રષ્ટિએ અગત્યના નખત્રાણા તાલુકામાં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સત્તાધારી ભાજપને શાસનધૂરા તો સોંપી છે, પરંતુ સાથે સાથે સંગઠન માટે ચિંતાના સંકેતો પણ આપ્યા છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 11 બેઠકો પર વિજય મેળવી બહુમતી હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસે 7 બેઠકો જીતી મજબૂત હાજરી નોંધાવી છે. બીજી તરફ જિલ્લા પંચાયતની ચાર બેઠકોમાંથી ભાજપે 2 અને કોંગ્રેસે 2 બેઠક કબજે કરી બંને પક્ષો વચ્ચે સીધી ટક્કર સર્જી છે.

ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપને તાલુકા પંચાયતમાં ત્રણ બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું છે. તેથી ભલે સત્તા ભાજપ પાસે રહી હોય, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધી લહેર અને સ્થાનિક અસંતોષ સ્પષ્ટપણે દેખાયો છે. ખાસ કરીને અનેક બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાઓ કે તેમના સમર્થકોને જનતાએ નકારતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

તાલુકા પંચાયત પ્રમુખપદ માટે હાલ ભાજપની અંદરથી જ મહિલા ઉમેદવારના નામોની ચર્ચા તેજ બની છે. બક્ષીપંચના મહિલા અનામત કોટડા રોહા બેઠક પરથી વિજયી બનેલા ભારતીબેન ગોસ્વામી પ્રમુખપદની દોડમાં આગળ હોવાનું માનવામાં આવે છે. બહુમતી મળતા ભાજપ માટે પ્રમુખપદનો માર્ગ લગભગ મોકળો બન્યો છે.

ચૂંટણી દરમિયાન સૌથી વધુ રસપ્રદ જંગ નેત્રા અને નિરોણા બેઠકો પર જોવા મળ્યો હતો. બંને બેઠકો પર કાંટેની ટક્કર બાદ કોંગ્રેસે વિજયનો ઝંડો ફરકાવ્યો હતો. નિરોણા બેઠક પર રાજકીય પલટો ખાસ ચર્ચાસ્પદ રહ્યો. ગત વખત ભાજપના ચિહ્ન પર જીતેલા શારદાબેન આહીરને આ વખતે ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસ તરફ વળ્યા અને અંતે જીત મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો. આ જીત માત્ર બેઠકનો બદલો નહોતો, પરંતુ ટિકિટ વિતરણથી ઉપજેલા અસંતોષનો સીધો સંદેશ માનવામાં આવી રહ્યો છે.

રવાપર બેઠક પર પણ ભાજપને નિરાશાનો સામનો કરવો પડ્યો. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિવારના રાજુભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, છતાં કોંગ્રેસના અશ્વિનભાઈ રૂપારેલ સામે તેઓ હારી ગયા. તે જ રીતે દેશલપર બેઠક પર ભાજપના કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજાને કોંગ્રેસના જીએજા સલીમ મુસાભાએ હરાવી સત્તાપક્ષને વધુ એક આંચકો આપ્યો.

વિથોણ વિસ્તારનું પરિણામ પણ ભાજપ માટે મિશ્ર રહ્યું. જિલ્લા પંચાયતની બેઠક ભાજપે જાળવી રાખી, પરંતુ તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસના ખાતામાં જતાં સંગઠનને સ્થાનિક સ્તરે નુકસાન સહન કરવું પડ્યું. અહીં ખેડૂત આગેવાની ધરાવતા પરિવારમાંથી યુવા ઉમેદવાર રિદ્ધિબેનના વિજયે નવી પેઢીના નેતૃત્વને આગળ ધપાવ્યું છે. નાની ઉંમરે પ્રાપ્ત થયેલો આ વિજય સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

જિલ્લા પંચાયતની નેત્રા અને નિરોણા બેઠકો પણ ભાજપ માટે હાથમાંથી સરકી ગઈ છે. આ બંને વિસ્તારો પર અગાઉ સત્તાપક્ષનો પ્રભાવ હોવા છતાં મતદારોમાં ઉભા થયેલા સ્થાનિક પ્રશ્નો, ટિકિટ વિતરણનો અસંતોષ અને પ્રબળ વિરોધી મોરચાએ પરિણામો બદલી નાખ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

તાલુકા પંચાયતમાં ભાજપે બીબર, દેશલપર, નેત્રા, રવાપર, વિથોણ, વંગ, કોટડા અને જડોદર જેવી મહત્વની બેઠકો ગુમાવી છે. જ્યારે બીજી તરફ અંગીયા, દેવપર, ઘડાણી, કોટડા રોહા, મંજલ, મથલ, રસલીયા, સુખપર રોહા, તલ, વડવા કાયા સહિતની બેઠકો પર ભાજપે પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. એટલે કે સમગ્ર તાલુકામાં મતદારોનો નિર્ણય એકતરફી નહીં પરંતુ વિસ્તારવાર બદલાતો નજરે પડ્યો છે.

આ પરિણામો સ્પષ્ટ કરે છે કે નખત્રાણામાં ભાજપ સત્તા સુધી પહોંચવામાં સફળ રહ્યું છે, પરંતુ આંતરિક ગૃપબાજી, ટિકિટ વિતરણથી ઉપજેલી નારાજગી અને ગ્રામ્ય પ્રશ્નોને લઈને પક્ષને હવે વધુ સચેત રહેવું પડશે. બીજી તરફ કોંગ્રેસે ઓછી સંખ્યામાં બેઠકો હોવા છતાં ભાજપના પરંપરાગત ગઢોમાં ઘૂસણખોરી કરીને પોતાની રાજકીય વાપસીનો મજબૂત સંકેત આપ્યો છે.

નખત્રાણાની આ ચૂંટણી માત્ર સત્તા કોના હાથમાં રહી તેની વાત નથી, પરંતુ આગામી સમયમાં કચ્છના ગ્રામ્ય રાજકારણમાં નવા સમીકરણો સર્જાનાર સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. મતદારોનો ચુકાદો સ્પષ્ટ કહી રહ્યો છે કે હવે સ્થાનિક મુદ્દા, ઉમેદવારની સ્વીકાર્યતા અને સંગઠનની આંતરિક એકતા—આ ત્રણેય પરિક્ષાઓમાં પાસ થનાર પક્ષને જ ભવિષ્યમાં સંપૂર્ણ જનસમર્થન મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande