રુદ્રમાતા ગામની સીમમાં અચાનક આગ ભભૂકી, ભુજ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી મોટું નુકસાન ટળ્યું
કચ્છ, 29 એપ્રિલ (હિ.સ.) : ભુજ તાલુકાના રુદ્રમાતા ગામની સીમ વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં થોડીવાર માટે દહેશતનો માહોલ સર્જાયો હતો. કોઈ અજાણ્યા કારણોસર લાગેલી આ આગ અંગે ભુજ ફાયર વિભાગને કોલ મળતા જ વિભાગની ટીમ વિલંબ વિના સજ્જ થ
આગ ઓલાવતા ફાયર વિભાગના કર્મચારીઓ


આગ ઓલાવતા ફાયર વિભાગના કર્મચારીઓ


કચ્છ, 29 એપ્રિલ (હિ.સ.) : ભુજ તાલુકાના રુદ્રમાતા ગામની સીમ વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં થોડીવાર માટે દહેશતનો માહોલ સર્જાયો હતો. કોઈ અજાણ્યા કારણોસર લાગેલી આ આગ અંગે ભુજ ફાયર વિભાગને કોલ મળતા જ વિભાગની ટીમ વિલંબ વિના સજ્જ થઈ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમયસર હાથ ધરાયેલી આગ બુઝાવવાની કામગીરીના કારણે સંભવિત મોટું નુકસાન ટળી ગયું હતું.

મળતી માહિતી મુજબ રુદ્રમાતા ગામની સીમમાં સુકું ઘાસ, ઝાડીઓ અને ખુલ્લા વિસ્તારમાં આગે જોર પકડ્યું હતું. ગરમીના માહોલ અને પવનના કારણે જ્વાળાઓ ઝડપથી ફેલાઈ રહી હતી, જેના કારણે નજીકના વિસ્તારમાં રહેલા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા પ્રસરી હતી. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ભુજ ફાયર વિભાગે તાત્કાલિક પ્રતિસાદ આપી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

ભુજ ફાયર વિભાગ તરફથી બે ફાયર વાહનો સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં એક મિની ફાયર ફાઇટર તથા એક વોટર બ્રાઉઝરનો સમાવેશ થતો હતો. આગની સ્થિતિને જોતા ફાયર જવાનો દ્વારા અલગ અલગ દિશામાંથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ આગને વધુ ફેલાતી અટકાવી સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

આ સમગ્ર કામગીરીનું માર્ગદર્શન ડી.સી.ઓ. રવીરાજ ગઢવી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમની સાથે ડ્રાઈવર પ્રદીપ ચાવડા તેમજ ફાયરમેન ઋષી ગોર, હીરજી રબારી, સંજયસિંહ સોઢા, ઉજ્જવલ ગોસ્વામી સહિત ટ્રેની સ્ટાફના સભ્યોએ પણ ભારે ગરમી વચ્ચે જોખમ ઉઠાવી ફરજ નિભાવી હતી. ટીમની સજાગતા અને ઝડપી કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ ઉનાળાની તીવ્ર ગરમી અને સૂકા વાતાવરણને કારણે આવી ઘટનાઓમાં વધારો થતો હોવાનું મનાઈ રહ્યું છે. ફાયર વિભાગે ગ્રામજનોને ખુલ્લા વિસ્તારમાં સળગતી વસ્તુઓ ન નાખવા તેમજ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.

સમયસર મળેલા કોલ, તાત્કાલિક રવાના થયેલી ટીમ અને સંકલિત બચાવ કામગીરીના કારણે રુદ્રમાતા ગામની સીમમાં સર્જાઈ શકનાર મોટી આપત્તિ અટકાવવામાં સફળતા મળતાં ભુજ ફાયર વિભાગની કાર્યક્ષમતાનો ફરી એકવાર પરિચય મળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande