
સુરત, 29 એપ્રિલ (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં 56 વર્ષના દુકાનદારે 11 વર્ષની બાળકી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. બાળકી આલુપુરી લેવા દુકાન પર ગઈ હતી ત્યારે દુકાનમાં કોઈ ગ્રાહક ન હોવાથી આરોપીએ તેની એકલતાનો લાભ લીધો. બાળકીના વાળ સરખા કરી આપવાની વાત કહી તેને નજીક બોલાવી શારીરિક છેડછાડ શરૂ કરી દીધી.
આ અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ ગયેલી બાળકી ત્યાંથી તરત જ ભાગી ગઈ અને ઘરે જઈને સમગ્ર બનાવ વિશે માતાને જાણ કરી. માતા-પિતાએ વિલંબ કર્યા વગર અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને થોડા જ સમયમાં તેની ધરપકડ કરી લીધી.
પોલીસે તપાસના ભાગરૂપે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. બાળકી સાથે થયેલા અત્યાચારને લઈ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન કેટલાક લોકોએ આરોપી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને કેટલીક મહિલાઓએ પોલીસની હાજરીમાં આરોપીને લાતો અને ચપ્પલથી માર્યો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે