વલસાડમાં રેલવે સુરક્ષા દળ નો ત્રાસ? રેલવે કર્મચારીને વીજ કરંટ આપ્યાનો આક્ષેપ, સિવિલ હોસ્પિટલમાં સારવાર
વલસાડ , 29 એપ્રિલ (હિ.સ.) વલસાડમાં રેલવે સુરક્ષા દળ (RPF)ના જવાનો દ્વારા એક રેલવે કર્મચારીને થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધરાનગર અબ્રામાના રહેવાસી અને ઇલેક્ટ્રિક લોકો શેડમાં ફરજ બજાવતા 31 વર્ષીય કૃણાલ કુ
પ્રતિકાત્મક તસ્વીર


વલસાડ , 29 એપ્રિલ (હિ.સ.) વલસાડમાં રેલવે સુરક્ષા દળ (RPF)ના જવાનો દ્વારા એક રેલવે કર્મચારીને થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધરાનગર અબ્રામાના રહેવાસી અને ઇલેક્ટ્રિક લોકો શેડમાં ફરજ બજાવતા 31 વર્ષીય કૃણાલ કુમાર રાજેશભાઈ પટેલે RPF કર્મીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

મળતી માહિતી મુજબ, કૃણાલ પટેલે જણાવ્યું કે ચાર વર્ષ પહેલાં પિતાના અવસાન બાદ તેમને રહેમરાહે રેલવેમાં નોકરી મળી હતી અને તેઓ હાલમાં ઇલેક્ટ્રિક લોકો શેડમાં ફરજ બજાવે છે. છેલ્લા કેટલાક સમયથી RPFમાં ફરજ બજાવતા અજયકુમાર સહિતના ત્રણ કર્મીઓ તેમને ખોટા ચોરીના કેસમાં ફસાવવા માટે દબાણ કરી રહ્યા હતા.

આક્ષેપ મુજબ, પૂછપરછના બહાને કૃણાલને RPF ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો. કૃણાલે જણાવ્યું કે તેના બંને હાથમાં વાયર વીંટાળીને વીજ કરંટ આપવામાં આવ્યો હતો અને કાનના ભાગે જોરદાર થપ્પડ મારવામાં આવ્યા હતા.

સતત ત્રાસને કારણે કૃણાલની તબિયત બગડતા પરિવારજનો તેને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હોસ્પિટલ દ્વારા આ કેસમાં ‘મેડિકલ લીગલ કેસ’ (MLC) નોંધવામાં આવ્યો છે.

ભોગ બનનાર યુવકે જવાબદાર RPF કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે. આ બનાવને પગલે રેલવે વિભાગના કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે સત્તાવાળાઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande