
ભાવનગર, 29 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ પસવી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તળાજા, મહુવા અને પાલીતાણા તાલુકાના ગામોને આવરી લેતી આ યોજનામાં ગોપનાથ સેકશન હેઠળ આવતા ૧૯ ગામોમાં ૧ મે, ૨૦૨૬ થી ૫ મે, ૨૦૨૬ સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માહિતી મુજબ ઉંચડી સબહેડ વર્ક્સ ખાતે આવેલ સ્ટોરેજ ટાંકી સાથે નવી પાઇપલાઇન જોડાણ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત જોબ કનેકશન અને ટેક્નિકલ સુધારાઓ કરવામાં આવવાના હોવાથી પાણી પુરવઠો તાત્કાલિક અસરથી બંધ રાખવો જરૂરી બન્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સુધારણા બાદ પાણી પુરવઠાની વ્યવસ્થા વધુ સુદ્રઢ અને અસરકારક બનશે, જેના કારણે ભવિષ્યમાં ગામલોકોને સતત અને નિયમિત પાણી મળી રહેશે. આ દરમિયાન ગોપનાથ સેકશન હેઠળના ગામોમાં રહેતા લોકોને કેટલીક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે ગામલોકોને આગોતરા પાણી સંગ્રહ કરવાની અને સ્થાનિક સ્તરે વૈકલ્પિક પાણી પુરવઠાની વ્યવસ્થા ગોઠવવાની અપીલ કરી છે.
પાણી પુરવઠા વિભાગે પણ ખાતરી આપી છે કે કામગીરી સમયસર પૂર્ણ કરવા તમામ જરૂરી પગલાં લેવામાં આવશે અને ૫ મે બાદ પાણી પુરવઠો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
આ આયોજનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ગુણવત્તા અને વિતરણ વ્યવસ્થામાં સુધારો લાવી લાંબા ગાળે લોકોની સુવિધામાં વધારો કરવો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT