
જામનગર, 29 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાં પાંચ વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા પહોંચાડવાના બનાવે ચકચાર મચાવી છે. આ મામલે પોલીસે એક આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, લાલપુર 66 કે.વી. નજીક સરકારી હોસ્પિટલનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ફરીયાદી લાલપુરના વતની પંકજ રામાભાઈ ખરાનો પાંચ વર્ષનો પુત્ર આર્યન રમતો હતો. તે દરમિયાન ત્યાં કામ કરતા આરોપી ભીમાભાઈ ખરાની મોટરસાઈકલ નજીક બાળક રમતો હોવાથી આરોપીએ તેને ત્યાંથી દૂર રહેવા માટે કહ્યું હતું. છતાં બાળક ત્યાં રમતો રહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને લાકડી વડે બાળકના ડાબા કાન પાસે માર માર્યો હતો, જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી.
ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે લાલપુર પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 118(1) તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt