
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ). પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિઓ અને વર્તમાન સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશમાં ઘરેલું રસોઈ ગેસ (એલપીજી)નો પુરવઠો 100 ટકા સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. એલપીજી બુકિંગના સમયગાળાને પણ કુશળતાપૂર્વક સંચાલિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ સાથે જ, કોઈ પણ ડિસ્ટ્રિબ્યુટર પાસે સ્ટોકની અછત નથી, જ્યારે પુરવઠો પણ કોઈપણ અવરોધ વિના ચાલુ છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં આયોજિત આંતર-મંત્રાલય પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં ઘરેલું રસોઈ ગેસ (એલપીજી)નો પુરવઠો સો ટકા સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બુકિંગના સમયગાળાને પણ કુશળતાપૂર્વક સંચાલિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સાથે કોઈપણ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર પાસે સ્ટોકની અછત નથી અને ઓનલાઇન બુકિંગ લગભગ 98 ટકા સુધી વધી ગયું છે. બીજી તરફ, લગભગ 93 ટકા એલપીજી સિલિન્ડરની ડિલિવરી 'ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ' સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહી છે.
સુજાતા શર્માએ જણાવ્યું કે, કોમર્શિયલ એલપીજી નો પુરવઠો લગભગ 70 ટકા સુધી પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સની ત્રણ સભ્યોની સમિતિ, રાજ્ય સરકારોના સંકલનથી કોમર્શિયલ એલપીજી નું સતત વેચાણ સુનિશ્ચિત કરી રહી છે. તેમણે જણાવ્યું કે આ મહિને લગભગ 1,92,532 ટન કોમર્શિયલ LPGનું વેચાણ થયું છે, જેમાં ગઈકાલે એક જ દિવસમાં લગભગ 8,500 ટનનું વેચાણ થયું હતું. આ ઉપરાંત, એલપીજી વિતરકો પાસે ક્યાંય પણ સ્ટોક ખતમ થયો હોવાના કોઈ સમાચાર મળ્યા નથી.
રસાયણ અને ખાતર મંત્રાલયના ખાતર વિભાગના સંયુક્ત સચિવ અપર્ણા એસ. શર્માએ જણાવ્યું હતું કે, ખાતરની ઉપલબ્ધતા મજબૂત છે અને પુરવઠો જરૂરિયાત કરતા વધારે છે. તેમણે કહ્યું કે ખરીફ 2026 સીઝન માટે 390.54 લાખ મેટ્રિક ટન (એલએમટી)ની જરૂરિયાત સામે વર્તમાન સ્ટોક 193.38 એલએમટી છે, જે લગભગ 50 ટકા છે.
તેમણે જણાવ્યું કે આ બહેતર આયોજન, અગાઉથી સ્ટોક રાખવા અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સને દર્શાવે છે, જેના કારણે તમામ રાજ્યોમાં પુરવઠો સ્થિર રહ્યો છે. યુરિયાની ઉપલબ્ધતા 73.81 એલએમટી અને ડીએપીની 23.47 એલએમટી છે, જ્યારે અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. શર્માએ જણાવ્યું કે મહત્તમ છૂટક કિંમત (એમઆરપી)માં કોઈ ફેરફાર થયો નથી.
અપર્ણા એસ. શર્માએ જણાવ્યું હતું કે વૈશ્વિક સંકટ પછી ઘરેલું ઉત્પાદન અને આયાત સ્થિર રહ્યા છે, જેના પરિણામે કુલ ઉપલબ્ધતામાં લગભગ 78 LMTનો વધારો થયો છે. જેમાં 62.37 એલએમટી ઘરેલું ઉત્પાદનમાંથી અને 15.39 એલએમટી આયાત દ્વારા આવ્યું છે. બીજી તરફ, વૈશ્વિક ટેન્ડરો દ્વારા લગભગ 38 એલએમટી યુરિયાનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને ફોસ્ફેટિક તથા પોટાશિક ખાતરો માટે લગભગ 19 એલએમટીના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ખાતરની ઉપલબ્ધતાની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવી રહી છે અને કુલ પુરવઠો મજબૂત અને સ્થિર રહ્યો છે.
બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય નાવિકોના કલ્યાણ અને દરિયાઈ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશનો અને દરિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા હિતધારકો સાથે સતત સંકલન જાળવી રહ્યું છે. આ ક્ષેત્રમાં હાજર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં ભારતીય ધ્વજ ધરાવતા કોઈપણ જહાજ સાથે જોડાયેલી કોઈ ઘટના સામે આવી નથી.
તેમણે જણાવ્યું કે, પશ્ચિમ એશિયા સંકટ શરૂ થયા બાદ કંટ્રોલ રૂમે 8,155 કોલ અને 17,000 થી વધુ ઈમેઈલ હેન્ડલ કર્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં આવેલા 121 કોલ અને 285 ઈમેઈલનો પણ સમાવેશ થાય છે. મુકેશ મંગલે જણાવ્યું કે, મંત્રાલયએ અત્યાર સુધીમાં 2,857 થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં મદદ કરી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં પરત ફરેલા 28 નાવિકોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં બંદરોની કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે અને ક્યાંય પણ ભીડભાડના કોઈ સમાચાર નથી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ