
ગાંધીનગર, 30 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયત સ્તરે નોંધાયેલી જંગી જીત બાદ હવે રાજકીય દ્રશ્ય વધુ સક્રિય બન્યું છે.
રાજ્યભરમાં બહુમતી સાથે સત્તા હાંસલ કર્યા પછી હવે બધી જ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયત સ્તરે મહત્વના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ સંગઠન દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.
હવે આગામી સપ્તાહે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોના નામો પર આખરી નિર્ણય લેવામાં આવશે.તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપે 393માંથી 353 સ્થાનિક સંસ્થાઓમાં વિજય મેળવી આશરે 90 ટકા જેટલો પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટ નોંધાવ્યો છે. મહાનગરપાલિકાઓમાં તો પાર્ટીએ સંપૂર્ણ દબદબો જમાવ્યો છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં બે તૃતીયાંશથી વધુ બહુમતી સાથે 100 ટકા વિજય પ્રાપ્ત કર્યો છે. તે જ રીતે 84 નગરપાલિકાઓમાંથી 76, 34 જિલ્લા પંચાયતોમાંથી 33 અને 260 તાલુકા પંચાયતોમાંથી 229 પર કબજો મેળવી ભાજપે રાજ્યના સ્થાનિક શાસન પર મજબૂત પકડ બનાવી છે.
આ જંગી જીત બાદ હવે સત્તાના કેન્દ્રસ્થાનો માટે નેતૃત્વ નક્કી કરવાનું અગત્યનું બની ગયું છે.
મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતા જેવા હોદ્દાઓ માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે. બીજી તરફ નગરપાલિકા અને પંચાયતોમાં પ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતા માટે પણ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.
હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું મંત્રીમંડળ 1 મેના રોજ સુરત ખાતે યોજાનારા ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અને દક્ષિણ ગુજરાત માટેની રીજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનમાં વ્યસ્ત છે. આ બંને મહત્વના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ત્યારબાદ હોદ્દેદારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ