

પાલનપુર, 30 એપ્રિલ (હિ.સ.) : બનાસકાંઠા જિલ્લા ભાજપા કાર્યાલય 'શ્રી બનાસ કમલમ' ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં 'બનાસ વિજ્યોત્સવ' કાર્યક્રમ યોજાયો.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા જિલ્લા ભાજપા કાર્યાલય 'શ્રી બનાસ કમલમ' ખાતે આયોજિત 'બનાસ વિજ્યોત્સવ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
જગદીશ વિશ્વકર્માએ માં અંબા ના જયઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ચારેય તરફ લહેરાયેલો ભાજપાનો ભગવો એ જનતાના અતૂટ વિશ્વાસ અને કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમનું પરિણામ છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને નાત-જાત અને પ્રાંતવાદની રાજનીતિથી મુક્ત કરી 'વિકાસની રાજનીતી'ની જે ભેટ આપી છે, તેનાથી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસની બુલેટ ટ્રેન આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે.
જગદીશ વિશ્વકર્માએ વિજયનો શ્રેય સંગઠનને આપતા કહ્યું કે, રાજ્યના 50 હજાર બૂથ અને બનાસકાંઠાના 2025 બૂથ પર ભાજપનો કાર્યકર્તા રાત-દિવસ જોયા વગર લડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે છેલ્લા 30 વર્ષનો ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉમેર્યું કે, ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી ટાણે જ નહીં, પણ 365 દિવસ સેવા અને સમર્પણના ભાવથી જનતાની વચ્ચે રહે છે, જે ભાજપની સાચી ઓળખ છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં 31 વર્ષ બાદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેમણે ટકોર કરી કે, જેઓ પોતાને આ જ્ઞાતિ કે તે જ્ઞાતિના નેતા ગણાવતા હતા અને ભાજપના ગઢમાં ગાબડું પાડવાની વાતો કરતા હતા, તેમને જનતાએ તેમના જ ગઢમાં જડબાતોડ જવાબ આપ્યો છે.
જ્ઞાતિવાદ ફેલાવનારા કોંગ્રેસના નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, નારી વંદના અધિનિયમનું અપમાન કરનારી બહેનને બનાસની નારીશક્તિ ક્યારેય માફ નહીં કરે અને આગામી દિવસોમાં તેનો કરારો જવાબ આપશે.
વિજયના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, 15 મહાનગરપાલિકામાં 100% સ્ટ્રાઇક રેટ સાથે અને નગરપાલિકામાં 84 માંથી 76માં, જિલ્લા પંચાયતમાં 34 માંથી 33માં, તાલુકા પંચાયતમાં 260 માંથી 229માં ભાજપાનો ભગવો લહેરાયો છે. કુલ 393 એકમોની અંદર 10 હજાર કાર્યકર્તાઓ ચૂંટણી લડતા હતા આખા રાજ્યમાં 90 ટકા કરતા વધુ સંસ્થાઓમાં સ્પષ્ટ અને જંગી બહુમતોથી ભાજપાને વિજય અપાવી વિકાસને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનતાએ જનસમર્થન આપ્યું છે.
જિલ્લા-તાલુકા પંચાયતોમાં 90% થી વધુ બેઠકો પર ભવ્ય વિજય મેળવી ભાજપે પ્રચંડ જનસમર્થન હાંસલ કર્યું છે. બનાસકાંઠામાં 48 માંથી 32 બેઠકો સાથે જિલ્લા પંચાયત અને પાલનપુર, ડીસા તથા 18 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકામાં ભવ્ય વિજય એ વિકાસવાદનો વિજય છે. સહકારિતાના ક્ષેત્રે બનાસકાંઠાના મોડેલની પ્રશંસા કરતા વિશ્વકર્માએ જણાવ્યું કે, અમિત શાહના નેતૃત્વમાં સહકારી માળખું મજબૂત બન્યું છે અને આજે બનાસ ડેરીના માધ્યમથી શ્વેતક્રાંતિનો ડંકો આખા દેશમાં વાગી રહ્યો છે.
અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 'તૃષ્ટીકરણની જગ્યાએ સંતુષ્ટીકરણ'ની જે રાજનીતિ આપી છે, તેના કારણે આગામી 2027 અને 2029ની ચૂંટણીઓમાં પણ ભાજપ ભવ્ય ઐતિહાસિક પરિણામો સાથે વિજયી બનશે. તેમણે ઉમેર્યું કે, જેમ માં અંબાના શિખર પર ધ્વજા કાયમ ફરકે છે, તેમ ગુજરાતમાં ભાજપનો ભગવો પણ સદાય લહેરાતો રહેશે. તેઓએ 4 એપ્રિલે આવનાર 5 રાજ્યોના વિધાનસભા ચુંટણીના પરિણામમાં ભાજપાના ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ