સાયબર ઠગોએ નિવૃત્ત મહિલા પ્રોફેસર સાથે એક કરોડથી વધુની છેતરપિંડી કરી
બિલાસપુર/રાયપુર, નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) છત્તીસગઢના બિલાસપુરમાં નિવૃત્ત મહિલા પ્રોફેસર (82 વર્ષીય)ને ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાવીને સાયબર ઠગોએ 01 કરોડ 4 લાખ 80 હજાર રૂપિયાની મોટી ઓનલાઇન છેતરપિંડી કરી છે. મહિલાને આશરે સાત દિવસ સુધી ''ડિજિટલ અ
નિવૃત્ત મહિલા પ્રોફેસર - ડિજિટલ અરેસ્ટની જાળમાં


બિલાસપુર/રાયપુર, નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) છત્તીસગઢના બિલાસપુરમાં નિવૃત્ત મહિલા પ્રોફેસર (82 વર્ષીય)ને ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાવીને સાયબર ઠગોએ 01 કરોડ 4 લાખ 80 હજાર રૂપિયાની મોટી ઓનલાઇન છેતરપિંડી કરી છે.

મહિલાને આશરે સાત દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ'માં રાખવામાં આવી અને તેમને ટેરર ફન્ડિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 1.04 કરોડ રૂપિયા અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા. આ મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે મહિલાનો પુત્ર ઘરે પહોંચ્યો અને સત્ય સામે આવ્યું. બિલાસપુરમાં 1.04 કરોડ રૂપિયાની આ મોટી સાયબર છેતરપિંડીનો શિકાર બનેલા નિવૃત્ત પ્રોફેસરનું નામ પ્રો. રમન શ્રીવાસ્તવ છે. તેઓ બિલાસપુરની ડીપી કોલેજમાં કાર્યરત હતા અને હાલમાં બિલાસપુરની 'રિયલ હેવન' કોલોનીમાં રહે છે.

આ સમગ્ર મામલે બિલાસપુર સાયબર સેલ અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં સત્તાવાર એફઆઈઆર 27 એપ્રિલના રોજ નોંધાવવામાં આવી છે. મુંબઈના રહેવાસી પ્રશાંત શ્રીવાસ્તવે રિપોર્ટ નોંધાવ્યો કે તેઓ એચઆર કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે. તેમના માતા રમન શ્રીવાસ્તવ વર્ષ 2005માં ડીપી વિપ્ર કોલેજમાંથી પ્રોફેસર પદેથી નિવૃત્ત થયા હતા અને હાલમાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારના રિયલ હેવન, શાંતિ નગર, મંગલા ચોકમાં રહે છે.

પ્રશાંત શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, 27 એપ્રિલના રોજ તેમના માતા રમન શ્રીવાસ્તવે ફોન પર જણાવ્યું કે 20 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે તેમને એક અજ્ઞાત વ્યક્તિએ વોટ્સએપ પર સંદેશ મોકલ્યો હતો, જેમાં સંજય પીએસઆઈ નામ લખેલું હતું. ઠગોએ પોતાની ઓળખ તપાસ એજન્સીઓના અધિકારી તરીકે આપીને મહિલાને ફોન કર્યો અને કહ્યું કે તેમના નામે ગેરકાયદેસર વ્યવહાર થયો છે. ત્યારબાદ તેમને ડરાવવા માટે સુપ્રીમ કોર્ટ અને ઈડીની નકલી નોટિસ પણ મોકલવામાં આવી. ઠગોએ મહિલાને સતત નજરકેદમાં રાખી અને કોઈની પણ સાથે વાત ન કરવાની સૂચના આપી. ત્યારબાદ ઠગોએ વીડિયો કોલ કરીને તેમને ધમકાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે, તેઓ એક આતંકવાદી ગ્રુપ સાથે જોડાયેલા છે અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારમાં સામેલ છે, જેના કારણે તેમને જેલ થઈ શકે છે.

ત્યારબાદ આશરે 3:10 વાગ્યે ફરીથી વીડિયો કોલ કરીને પરિવાર, બેંક ખાતાઓ અને નાણાકીય માહિતી મેળવીને લગભગ 2 કલાક 16 મિનિટ સુધી તેમને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા. ઠગોએ ડરાવતા કહ્યું કે, જો ધરપકડથી બચવું હોય તો જણાવેલ બેંક ખાતાઓમાં તમામ પૈસા ટ્રાન્સફર કરવા પડશે. સાથે જ ધમકી આપવામાં આવી કે જો તેઓ કોઈ પણ સંબંધીનો સંપર્ક કરશે તો તેમને પણ કેસમાં ફસાવી દેવામાં આવશે અને તેમના પુત્ર-પૌત્રો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ધમકીઓથી ડરીને પીડિતાએ આરટીજીએસના માધ્યમથી પહેલા 20 લાખ 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં અલગ-અલગ હપ્તાઓમાં કુલ 01 કરોડ 4 લાખ 80 હજાર રૂપિયા જમા કરાવી લેવામાં આવ્યા. ઠગોએ આગળ 50 લાખ રૂપિયાની વધારાની માંગ પણ કરી. જ્યારે પીડિતાએ પોતાના પુત્ર પાસે 50 લાખ રૂપિયા માંગ્યા, ત્યારે આખા મામલાનો ખુલાસો થયો. પુત્ર તરત જ બિલાસપુર પહોંચ્યો અને તેમને જણાવ્યું કે તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છે.

મામલાની ફરિયાદના આધારે બિલાસપુરના રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત મોબાઈલ ધારક વિરુદ્ધ બીએનએસની કલમ 66(સી), 66(ડી), 308, 318 સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande