
સુરત, 30 એપ્રિલ (હિ.સ.)-સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા અને સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ત્રણ સંતાનના પિતાએ તેમના ઘર પાસે રહેતી માસુમ બાળકી પર દાનત બગાડી હતી. બાળકીને પાણીની તરસ લાગતા હવસખોર સફાઈ કર્મચારીએ પોતાના ઘરમાં પાણી પીવાના બહાને બોલાવી હતી અને શારીરિક અડપલાં કર્યા હતા પરંતુ ભોગ બનનાર માસુમ દીકરીએ બૂમાબૂમ કરતા કમલેશે દરવાજો ખોલી નાખ્યો હતો. જેથી બાળકી પોતાના ઘરે જતી રહી હતી અને માતા-પિતાને સઘળી હકીકત જણાવી હતી. બનાવને પગલે ભોગ બનનાર દીકરીના માતા પિતાએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સફાઈ કર્મચારી સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા ખાતે આવેલ પાર્થ સોસાયટીમાં બુદ્ધિવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ રામુભાઈ ગેડીયા સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગતરોજ તેમની સામે અમરોલી પોલીસમાં છેડતીનો ગુનો નોંધાવા પામ્યો છે. ગત તારીખ 28/4/2026 ના રોજ કમલેશ ગેડીયા ની પત્ની સાંજે ૫ વાગે તેના ત્રણ બાળકોને લઈ વતન મધ્યપ્રદેશ જવા માટે નીકળી હતી. આ સમયે કમલેશ ઘરે એકલો હતો. સાંજે સવાર 06:15 વાગ્યાના અરસામાં તેમના ઘર પાસે રહેતી માત્ર આઠ વર્ષની માસુમ બાળકી રમતા રમતા કમલેશના ઘર પાસે આવી હતી અને તેમને પાણીની તરસ લાગી હોવાનું જણાવ્યું હતું. જેથી કમલેશે ચાલ મારા ઘરે આવ તને પાણી આપું તેમ કહીને ઘરના બેડરૂમમાં લઈ ગયો હતો અને હોલનો દરવાજો બંધ કરી દીધો હતો. જો કે ત્યારબાદ કમલેશે માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કરતા અને અવાજ નહીં કરવા માટે ધમકી આપી હતી પરંતુ માસુમ બાળકી ગભરાઈ જતા તેને બૂમો પાડી હતી. જેથી કમલેશે ઘરનો દરવાજો ખોલી નાખતા માસુમ દિકરી ત્યાંથી ભાગીને પોતાના ઘરે ગઈ હતી અને માતા-પિતાને સઘળી હકીકત જણાવતા તેઓએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કમલેશ ગેડિયાની ધરપકડ કરી તેની સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે