


પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદરની સરકારી મેડિકલ કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં વિદ્યાર્થીઓની માંડીને સ્ટાફના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી.
પોરબંદરની સરકારી મેડિકલ કોલેજ ખાતે ડીન ડો.સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ વર્ગ-1 થી વર્ગ-4 ના કર્મચારીઓ માટે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિક, આંખ વિભાગ, ઈ.એન.ટી., સ્કિન, માનસિક તેમજ ગાયનેક વિભાગના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી. કેમ્પ દરમિયાન બધાના વજન, ઊંચાઈ, બી.એમ.આઈ, બ્લડ પ્રેશર, બ્લડ સુગર, ઇસીજી તેમજ લોહીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.આજના આધુનિક યુગમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા હૃદયરોગ જેવા ગંભીર રોગોના કેસો ઓછી ઉમરમાં પણ સતત વધારો જોવા મળે છે અને અકાળે મૃત્યુના બનાવો પણ વધી રહ્યા છે.
આવા સંજોગોમાં સમયસર તપાસ, વહેલી ઓળખ અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બને છે.આ હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ સંભવિત રોગોની વહેલી તકે ઓળખ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓ અને ક્લાસ-1 થી ક્લાસ-4 સુધીના સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બધાને કામગીરીમાં સુધારો થાય. સ્વાસ્થ્ય સમાજથી શ્રેષ્ઠ રાષ્ટ્રનિર્માણ સંભવ છે.આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ અંદાજે 270 જેટલા વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ લીધો હતો.
કોલેજ પરિવાર દ્વારા આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમોને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya