

કચ્છ,30 એપ્રિલ (હિ.સ.) રાપર તાલુકાના પ્લાસવા નજીક આવેલા અમરાપર ગામે ગુરુવારે બપોર બાદ એક હૃદયદ્રાવક દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું હતું. ગામના તળાવમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા ચાર કિશોરોમાંથી એકનો પગ અચાનક લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં રડારડ મચી ગઈ હતી, જ્યારે ગામલોકો મોટી સંખ્યામાં તળાવ કાંઠે એકત્ર થયા હતા.
મળતી માહિતી મુજબ અમરાપર ગામનો 15 વર્ષીય હરિ દજાભાઈ કોળી પોતાના ત્રણ મિત્રોની સાથે તળાવમાં ન્હાવા ગયો હતો. ન્હાવાની મોજમસ્તી વચ્ચે હરિનો સંતુલન બગડતાં તેનો પગ લપસી ગયો અને તે તળાવના ઊંડા ભાગમાં પહોંચી જતાં પાણીમાં ડૂબી ગયો હતો. અન્ય છોકરાઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીની ઊંડાઈ વધુ હોવાને કારણે તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ગામમાંથી બચાવ માટે હાકલ મચાવવામાં આવી હતી.
ઘટનાની જાણ ભચાઉ નગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ તરત જ રેસ્ક્યૂ સાધનો સાથે અમરાપર ગામે દોડી પહોંચી હતી. ટીમે સૌપ્રથમ અંડર વોટર કેમેરાની મદદથી તળાવના અંદરના ભાગમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ લાંબા સમય સુધી કિશોરનો કોઈ પત્તો મળ્યો ન હતો. બાદમાં બોટ ઉતારીને લાઈફ રિંગ સહિતના સલામતી સાધનો સાથે ફાયર જવાનો દ્વારા પાણીમાં ઉતરી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અવિરત ત્રણ કલાક સુધી ચાલેલી જહેમતભરી કામગીરી બાદ આખરે ફાયર ટીમને કિશોર હરિ દજાભાઈ કોળીનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતદેહ બહાર આવતાં જ પરિવારજનોનો આક્રંદ હૃદય કંપાવી દે તેવો હતો. ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બચાવ અને શોધ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા સાથે કુલદીપભાઈ અને મયુરભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાયર ટીમના જવાનોએ ભારે મહેનત, સંકલન અને તકેદારીથી કામગીરી પાર પાડી હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અમરાપર ગામે બનેલી આ કરુણ ઘટનાએ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તળાવો, ચેકડેમ અને જળાશયો પાસે બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ગામલોકોમાં ચર્ચા છે કે નાના બાળકો અને કિશોરોને એકલા પાણીમાં જવા દેવામાં આવે તો આવી દુર્ઘટનાઓ ફરી સર્જાઈ શકે છે. હરિના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર ગામે એક હોશિયાર અને હસમુખા કિશોરને ગુમાવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar