
કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદના નામે ઉંચા વ્યાજે નાણા ધીરાણ કરીને ગેરકાયદેસર વસુલાત ચલાવતા વ્યાજખોરો સામે હવે પોલીસ તંત્ર સખ્ત વલણ અપનાવી રહ્યું છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા દ્વારા આપવામાં આવેલા કડક માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે આવી જ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે.
ભચાઉ શહેર અને આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને રૂપિયા ધીરાણ આપીને તેના બદલામાં બેફામ વ્યાજ વસુલાત થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ પ્રકારની ગેરકાયદેસર નાણાંકીય પ્રવૃત્તિથી સામાન્ય લોકો આર્થિક રીતે કંગાળ બનતા હોવાના સંકેતોને ધ્યાનમાં રાખીને ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાસ પેટ્રોલિંગ અને વોચ રાખવા સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીઓને ખાનગી રાહે ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર રીતે નાણા ધીરાણનો ધંધો ચલાવી રહ્યો છે અને ઉંચા વ્યાજે લોકો પાસેથી વસુલાત કરે છે. મળેલી હકીકતના આધારે પોલીસે તાત્કાલિક જાળ બિછાવી આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી ગુજરાત નાણા ધીરનાર અધિનિયમના નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે ધંધો ચલાવતો હતો તેમજ વ્યાજની આડમાં દબાણ અને ધાકધમકીનો પણ સહારો લેવાતો હતો.
આ કેસમાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ગુજરાત નાણાં ધીરનાર કરનાર બાબત અધિનિયમની કલમ ૪૨(એ)(ડી), ૪૭ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૬(બી) અને ૩૫૧(૩) મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન ભવાનીપુર સરસ્વતી સોસાયટી, ભચાઉ ખાતે રહેતા દિલીપગર ચતુરગર ગુસાઈ (ઉંમર ૫૧) ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી આશરે રૂ. ૨ લાખની કિંમતની GJ-12-DS-3556 નંબરની અલ્ટો કાર પણ કબજે લેવામાં આવી છે. પોલીસ માને છે કે આ વાહનનો ઉપયોગ ઉઘરાણી અને લેવડદેવડ માટે થતો હોવાની શક્યતા છે, જેથી સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સમગ્ર સ્ટાફ દ્વારા સંકલિત રીતે હાથ ધરાયેલી આ કામગીરીને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં વ્યાજખોરીના ગેરકાયદેસર ધંધાને નેસ્તનાબૂદ કરવા માટે આવનારા દિવસોમાં પણ આવી જ સઘન ડ્રાઇવ ચાલુ રહેશે.
જરૂરિયાતમંદ લોકોને સહાયના બહાને શોષણ કરતા આવા તત્વો સામે ભચાઉ પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને ગેરકાયદેસર નાણાં ધીરાણનો ધંધો ચલાવનારાઓને હવે કડક પરિણામો ભોગવવા પડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar