



કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ પ્રોહીબીશન, જુગાર, વાહનચોરી, અસામાજિક પ્રવૃત્તિઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદેસર હલચલને કાબૂમાં લેવા ભચાઉ ડિવિઝન પોલીસે વિશાળ સ્તરે સરપ્રાઈઝ કોમ્બીંગ અને ચેકીંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલી આ સઘન કામગીરી દરમિયાન અસામાજિક તત્વોમાં ચકચાર મચી જવા પામી હતી.
બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને જાણીતા બૂટલેગરો, જુગારિયાઓ, હિસ્ટ્રીશીટરો, એમ.સી.આર. તથા એચ.એસ. તરીકે નોંધાયેલા ઇસમો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સક્રિય અસામાજિક તત્વો પર અસરકારક દબાણ ઉભું કરવાના હેતુથી અચાનક કોમ્બીંગની સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના અનુસાર ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાના સુપરવિઝનમાં અલગ અલગ પોલીસ ટીમો રચવામાં આવી હતી. જેમાં એક નાયબ પોલીસ અધિક્ષક, એક પોલીસ ઇન્સ્પેક્ટર, પાંચ પોલીસ સબ ઇન્સપેક્ટર અને કુલ 54 પોલીસ કર્મચારીઓ મળી 61 અધિકારી-કર્મચારીઓએ સંયુક્ત રીતે ભચાઉ શહેર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી.
કોમ્બીંગ દરમિયાન અગાઉ પ્રોહીબીશન, ચોરી સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોના રહેઠાણો તથા હિલચાલ ઉપર નજર રાખવામાં આવી હતી. સાથે સાથે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તલાશી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ 9 પ્રોહીબીશનના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જ્યારે એમ.વી. એક્ટ હેઠળ નશાની હાલતમાં વાહન હંકારવાના 2 કેસ નોંધાયા હતા. જી.પી. એક્ટ કલમ 135 હેઠળ 14 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બૂટલેગરો ઉપર 17 નીલ રેઇડ હાથ ધરવામાં આવી હતી.
વાહન ચેકીંગ દરમિયાન નિયમભંગ કરતા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એમ.વી. એક્ટ કલમ 207 મુજબ 43 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. કાળા કાચ, જરૂરી દસ્તાવેજોની અછત અને અન્ય નિયમભંગ બદલ 33 જેટલા નોન-કોગ્નિઝેબલ કેસો નોંધાયા હતા. સ્થળ દંડ સ્વરૂપે કુલ રૂપિયા 13,500ની વસુલાત કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન 25 જેટલા એમ.સી.આર. તથા 3 હિસ્ટ્રીશીટરોને ચેક કરવામાં આવ્યા હતા. ઉપરાંત કુલ 322 વાહનોની તપાસ, 39 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ, 12 અવાવરુ જગ્યાઓની ચકાસણી, 4 હોટલ-ધાબાઓની તપાસ અને 4 દંગા પડાવ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી.
પોલીસના આ અચાનક દબાણથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસની આ સતર્ક કામગીરીને લઈને સુરક્ષાની લાગણી મજબૂત બની છે. ભચાઉ, રાપર, સામખીયારી, લાકડિયા, આડેસર અને ગાગોદર પોલીસ સ્ટેશનોના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી બજાવી સમગ્ર ડિવિઝનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આવી સરપ્રાઈઝ કોમ્બીંગ કામગીરી આગામી દિવસોમાં પણ અનિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓને મૂળથી કાબૂમાં લઈ સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બની રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar