ભુજમાં આશાપુરા નગરમાં તીનપત્તીની મહેફિલ પર દરોડો, ત્રણ શખ્સ ઝડપાયા
કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લામાં જુગાર જેવી સામાજિક બદી સામે પોલીસ તંત્ર વધુ કડક બન્યું છે. ભુજ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા જુગારનો એક નોંધપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. આશાપુરા નગર વ
ભૂજ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લામાં જુગાર જેવી સામાજિક બદી સામે પોલીસ તંત્ર વધુ કડક બન્યું છે. ભુજ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા જુગારનો એક નોંધપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. આશાપુરા નગર વિસ્તારમાં ચાલતી રૂપિયા-પૈસાની હારજીતની જુગાર મહેફિલ પર એલસીબીએ સચોટ બાતમીના આધારે દરોડો પાડી ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરમ્યાન એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવી ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીમાં જાણવા મળ્યું હતું કે ઇકરા સ્કૂલ પાસે આવેલા આશાપુરા નગર વિસ્તારમાં સુલતાન નુરમામદ સિદીના રહેણાકના આગળના આંગણામાં કેટલાક લોકો ગંજીપાના પત્તા વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે અને મોટી રકમની હારજીત ચાલી રહી છે.

માહિતીની ગંભીરતા સમજી એલસીબીની ટીમે વિલંબ કર્યા વગર તાત્કાલિક સ્થળ પર પહોંચી સચોટ રીતે રેડ ગોઠવી. પોલીસને જોતા જ જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ એલસીબીના જવાનોએ ઘેરાબંધી કરીને ત્રણેય શખ્સોને સ્થળ પરથી જ ઝડપી લીધા. તપાસ દરમિયાન તેઓ ગંજીપાના પત્તા વડે રોકડ રૂપિયાની હારજીતનો તીનપત્તી જુગાર રમતા હોવાનું બહાર આવ્યું.

પકડાયેલા આરોપીઓમાં આશાપુરા નગર ખાતે ઇકરા સ્કૂલ પાસે રહેતા સુલતાન નુરમામદ સિદી, મોટાપીર ચોકડી પાસે મુસ્તફાનગરમાં રહેતા ઇકબાલ મામદ ખત્રી તેમજ આશાપુરા નગર વિસ્તારમાં રહેતા જુસબ વલીમામદ સુમરાનો સમાવેશ થાય છે. ત્રણેય પાસેથી કુલ રૂપિયા 19050 ની રોકડ રકમ અને જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલા ૫૨ ગંજીપાના પત્તા કબ્જે લેવામાં આવ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી બાદ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં જાહેર સ્થળો તેમજ રહેણાંક વિસ્તારોમાં છુપાઈને ચાલતા જુગારધામો સામે હવે સતત અભિયાન ચલાવવામાં આવશે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સફળ કાર્યવાહીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર જુગાર ચલાવનારાઓ સામે હવે કાયદાનો ચાબુક વધુ સખત બનવાનો છે. શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની આવી સતત કામગીરીને સ્થાનિક નાગરિકોએ પણ આવકારી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande