2005 પહેલાં નિયુક્ત શિક્ષકોને જૂની પેન્શનનો મોટો ન્યાય : કચ્છમાં 13 અનુદાનિત શિક્ષકોને OPS આદેશ
કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર સ્થિત કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા તા. ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલાં સેવા માટે નિયુક્ત થયેલા શિક્ષકોને લાંબા સમયથી અપેક્ષિત રહેલી જૂની પેન્શન યોજના (OPS)માં સમાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય અમલમાં મુકાતા શિક્ષણવિભાગમાં આનંદન
OPS યોજના ઓર્ડર ફાળવણી


કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર સ્થિત કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા તા. ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલાં સેવા માટે નિયુક્ત થયેલા શિક્ષકોને લાંબા સમયથી અપેક્ષિત રહેલી જૂની પેન્શન યોજના (OPS)માં સમાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય અમલમાં મુકાતા શિક્ષણવિભાગમાં આનંદની લાગણી પ્રસરી છે. રાજ્ય સરકારના આ ઠરાવને અનુસરી જિલ્લાકક્ષાએ લાભને પાત્ર શિક્ષકોની વિગતો સંકલિત કરી વડી કચેરીને મોકલવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે અગાઉ ૧૫૬ શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ અપાયો હતો, જ્યારે હવે વધુ ૧૩ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને સત્તાવાર આદેશ પ્રાપ્ત થતા તેમના વર્ષો જૂના પ્રશ્નનો અંત આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ ખાતે વિશેષ ‘NPS થી OPS આદેશ વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષો સુધી નવી પેન્શન યોજના હેઠળ રહેલા પરંતુ ૧-૪-૨૦૦૫ પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને ન્યાય મળે તે માટે જિલ્લા કચેરીએ દસ્તાવેજી ચકાસણી, સેવા નોંધ, નિમણૂક વિગતો અને વહીવટી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરી રાજ્ય કચેરીમાં મજબૂત દરખાસ્ત મોકલી હતી. જેના પરિણામે તબક્કાવાર શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

આદેશ મેળવનાર શિક્ષકોમાં ખાસ કરીને અનુદાનિત શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગના શિક્ષકોનો સમાવેશ થાય છે. લાંબા સમયથી OPS માટે પ્રતીક્ષા કરતા શિક્ષકોને આદેશ હસ્તગત થતાં તેમના ચહેરા પર રાહત અને સંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવી હવે સત્વરે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતા ખોલાવી જરૂરી વહીવટી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપી હતી, જેથી પેન્શન સંબંધિત ભવિષ્યની પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકે.

કાર્યક્રમ દરમિયાન શિક્ષકો તરફથી પણ જિલ્લા કચેરીના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. એમ.એસ.વી. હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક રાજકુમારસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયમાં, કોઈપણ ગેરસમજ વિના અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામગીરી પૂર્ણ થતા શિક્ષકોમાં વિશ્વાસ વધ્યો છે. તેમણે શિક્ષણાધિકારી કચેરી તથા સંકળાયેલા અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર OPS રૂપાંતરણ પ્રક્રિયામાં વર્ગ-૨ આચાર્ય તથા નોડલ અધિકારી બિપીનભાઈ વકીલનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું. સાથે કચેરીના સિનિયર ક્લાર્ક બિપીનભાઈ નાગુ અને તેમની ટીમે દસ્તાવેજોની છટણી, રેકોર્ડ ચકાસણી, અનુમોદન ફાઇલિંગ અને આદેશ પ્રાપ્તિ સુધીની તમામ કામગીરી સુવ્યવસ્થિત રીતે સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ અબોટી અને અબ્દુલભાઈ સુમરાએ પણ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે જૂની પેન્શન યોજના શિક્ષકો માટે માત્ર આર્થિક સુરક્ષાનો પ્રશ્ન નથી, પરંતુ તેમની લાંબા ગાળાની સેવાઓનું સન્માન પણ છે. NPSમાંથી OPSમાં સમાવેશ થતાં નિવૃત્તિ બાદ સ્થિર પેન્શન, GPF જેવી સગવડો અને ભવિષ્યની નિશ્ચિતતા મળતા શિક્ષકોમાં નવી આશા જાગી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજુ બાકી રહેલા પાત્ર શિક્ષકોમાં પણ સકારાત્મક સંદેશ ગયો છે અને આગામી સમયમાં વધુ શિક્ષકોને આ લાભ મળવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande