

કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) દેશના અગ્રણી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ઉનાળાની આકરા તાપમાન વચ્ચે બંદર પર દિવસ-રાત મહેનત કરતા શ્રમિકોના આરોગ્ય, સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને વિશેષ ‘બીટ ધ હીટ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા DPA એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પોર્ટની પ્રગતિના કેન્દ્રમાં સૌપ્રથમ માનવી છે અને બંદરની દરેક સફળતા પાછળ રહેલા શ્રમિકોનું કલ્યાણ જ સંસ્થાની સાચી પ્રાથમિકતા છે.
કંડલા પોર્ટમાં રોજબરોજ ભારે કાર્ગો હેન્ડલિંગ, લોડિંગ-અનલોડિંગ, યાર્ડ કામગીરી, ટેક્નિકલ મેન્ટેનન્સ અને વિવિધ મેદાની જવાબદારીઓ નિભાવતા હજારો શ્રમિકો કાળઝાળ ગરમીમાં પોતાની ફરજ બજાવે છે. આવા સમયમાં ગરમીજન્ય બીમારીઓ, ડિહાઇડ્રેશન, હીટસ્ટ્રોક અને થાક જેવી સમસ્યાઓ ઊભી ન થાય તે માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સચોટ આયોજન સાથે મેદાનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ‘People Come First’ના માનવકેન્દ્રિત અભિગમને સાર્થક બનાવતા પોર્ટ પ્રશાસને શ્રમિકોની સુરક્ષા માટે મિશન મોડમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
આ અભિયાન અંતર્ગત બંદર વિસ્તારમાં અનેક સ્થળોએ ઠંડા પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવી છે, સાથે ORS અને ગ્લુકોઝ પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કામ દરમિયાન શરીરમાં પાણી અને ઊર્જાનું સંતુલન જળવાઈ રહે. શ્રમિકોને તડકાની સીધી અસરથી બચાવવા માટે છાંયડાવાળા આરામ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે તેમજ જરૂર પડ્યે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમ અને હેલ્થ સપોર્ટ સ્ટાફને પણ સજ્જ રાખવામાં આવ્યો છે. માત્ર સુવિધા પૂરતી નહીં, પરંતુ અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી દરેક કામદારો સુધી આ લાભ સમયસર પહોંચી શકે.
દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ગરમી સામે બચાવ માટે જાગૃતિ અભિયાનને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે. શ્રમિકોને નિયમિત સમયાંતરે પાણી પીવાનું, વધુ થાક લાગે તો તરત આરામ લેવાનું, માથું ઢાંકી રાખવાનું, હળવા વસ્ત્રો પહેરવાનું અને શરીરમાં નબળાઈ, ચક્કર કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક મેડિકલ સહાય લેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ પહેલથી સ્પષ્ટ થાય છે કે DPA માત્ર ઉત્પાદનક્ષમતાની જ નહીં પરંતુ માનવજીવનની ગુણવત્તાની પણ ચિંતા રાખે છે.
‘સુરક્ષિત શ્રમિક, સમૃદ્ધ DPA’ના સૂત્ર સાથે શરૂ કરાયેલ આ અભિયાન માત્ર એક સરકારી ઝુંબેશ નથી, પરંતુ શ્રમિકોના પરિશ્રમ પ્રત્યેના સન્માનનું જીવંત પ્રતિબિંબ છે. પોર્ટ પ્રશાસનનું માનવું છે કે સ્વસ્થ, સુરક્ષિત અને સંતુષ્ટ શ્રમિક જ બંદરની ગતિને સતત મજબૂત બનાવી શકે છે અને તેનાથી દેશના વેપાર તથા અર્થતંત્રને પણ નવી શક્તિ મળે છે. કંડલા જેવા રાષ્ટ્રીય સ્તરે અગત્યના બંદરમાં આવી માનવતાભરી પહેલ અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
દેશના વિકાસચક્રને ગતિ આપતા બંદરોમાં મશીનો જેટલું જ મહત્વ માનવશક્તિનું છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલ ‘બીટ ધ હીટ’ અભિયાન એ સાબિત કરે છે કે જ્યારે સંસ્થા પોતાના કર્મયોગીઓને પ્રથમ સ્થાન આપે છે ત્યારે જ વિકાસનો પાયો વધુ મજબૂત બને છે. ગરમીની આ કઠિન ઋતુમાં કંડલા પોર્ટ દ્વારા લેવાયેલા આ સંવેદનશીલ પગલાંએ બંદર શ્રમિકોમાં નવી સુરક્ષાની ભાવના જગાવી છે અને સાથે જ રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યોગ્ય માન પણ અપાવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar