
- આતંકવાદને ધાર્મિક રંગ આપવો અથવા નક્સલવાદ જેવી હિંસક વિચારધારા સાથે જોડવું ખતરનાક
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સુરક્ષા શિખર સંમેલનમાં કહ્યું કે, ઓપરેશન સિંદૂરે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, કોઈપણ સંજોગોમાં આતંકવાદની કોઈપણ હરકત સહન કરવામાં આવશે નહીં. તેમણે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરને આ જોખમ સામે સરકારના મક્કમ ઈરાદાના પુરાવા તરીકે ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આતંકવાદ એક ખોટી વિચારધારામાંથી ઉદભવે છે, જેને ધાર્મિક રંગ આપીને અથવા હિંસક વિચારધારા સાથે જોડીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
રાજનાથ સિંહે કહ્યું કે, આતંકવાદ એક વિકૃત અને ખોટી વિચારધારામાંથી પેદા થાય છે. આ માનવતા પર એક કાળો ડાઘ છે. આતંકવાદ સામેની લડાઈ માત્ર રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો નથી, પરંતુ તે વાસ્તવમાં માનવતાના વિશિષ્ટ મૂલ્યોની રક્ષા કરવાની લડાઈ છે. આ એક એવી પશુ સમાન વિચારધારા સામેની લડાઈ છે, જે દરેક માનવીય મૂલ્યની સીધી વિરુદ્ધ છે. અમે દેશ અને વિદેશ બંને જગ્યાએ આ ભારતીય દ્રષ્ટિકોણને સ્પષ્ટપણે રજૂ કર્યો છે. આતંકવાદ માત્ર એક દેશવિરોધી કાર્ય નથી. તેના અનેક પાસાઓ છે - ઓપરેશનલ, વૈચારિક અને રાજકીય. તેનો સામનો ત્યારે જ થઈ શકે છે, જ્યારે આપણે આ તમામ પાસાઓ સાથે લડીએ.
રક્ષામંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદ રહેશે, ત્યાં સુધી તે દરેકની શાંતિ, વિકાસ અને સમૃદ્ધિને પડકાર આપતો રહેશે. આતંકવાદને ધાર્મિક રંગ આપીને અથવા નક્સલવાદ જેવી હિંસક વિચારધારા સાથે જોડીને તેને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ખૂબ જ ખતરનાક છે અને એક રીતે આતંકવાદીઓને સુરક્ષા કવચ પૂરું પાડે છે, જેથી તેઓ ધીરે ધીરે પોતાના મકસદ તરફ આગળ વધી શકે. આતંકવાદને પાકિસ્તાનના સતત સહયોગ અંગે રાજનાથ સિંહે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને એક જ સમયે આઝાદ થયા હતા, પરંતુ આજે ભારત સમગ્ર વિશ્વમાં ‘માહિતી ટેકનોલોજી’ માટે જાણીતું છે, જ્યારે પાકિસ્તાનને ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદ’નું કેન્દ્ર માનવામાં આવે છે.
રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરને ભારતીય સશસ્ત્ર દળોના સાથે મળીને કામ કરવા અને સમન્વયનું એક શાનદાર ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, ત્રણેય સેનાઓએ મળીને અને એક યોજના હેઠળ કામ કર્યું, જેનાથી એ સાબિત થઈ ગયું કે, ભારતની સૈન્ય તાકાત હવે એકલા કામ નથી કરતી, પરંતુ તે એક સંયુક્ત, સંકલિત અને વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી છે. રાજનાથ સિંહે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત કોઈના વહેમમાં કે પરમાણુ હુમલાની ધમકીમાં ન ફસાયું અને નક્કી કરેલા લક્ષ્યો પૂરા કર્યા. આ એવું ભારત છે, જે આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારાઓ વચ્ચે કોઈ તફાવત નથી કરતું.
હિન્દુસ્થાન સમાચાર / સુનીત નિગમ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ