


પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.) : હાલની ભીષણ ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાને લઈ પોરબંદર ડેપોના ડ્રાઈવર કંડક્ટરોને ડેપો મેનેજર દ્વારા ORS પેકેટનું વિતરણ અને આ પરિસ્થિતિ માં તબિયત જાળવી ને ફરજો બજાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે પોરબંદર એસ.ટી. વિભાગના ડેપો મેનેજર પી.બી. મકવાણા અને ટી. આઈ. એચ. આર. ઓડેદરા દ્વારા મુસાફરો અને કર્મચારીઓ ને મુસાફરી દરમ્યાન હીટવેવની પરિસ્થિતિથી બચી મુસાફરી કરવા તેમજ કર્મચારીઓ ને પોતાની ફરજો બજાવવા અંગે માહિતી આપતા જણાવાયુ હતુ કે, બસ ડ્રાઈવર અને કંડક્ટરો એ પોતાની તબિયત સાચવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમની જવાબદારી મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલી છે. ગરમીથી બચવા માટે શરીરને હાઈડ્રેટેડ રાખવા (પાણીનું પ્રમાણ જાળવવા) તરસ ન લાગે તો પણ થોડી-થોડી વારે પાણી પીતા રહો., પોતાની પાસે હંમેશા પાણીની બોટલ રાખો. જો શક્ય હોય તો છાશ, લીંબુ શરબત અથવા ORS (ઓઆરએસ) નું દ્રાવણ સાથે રાખો જે શરીરમાં ક્ષારનું પ્રમાણ જાળવી રાખશે. ગરમીમાં ચા, કોફી કે વધુ પડતી ખાંડવાળા ઠંડા પીણાં પીવાનું ટાળો, કારણ કે તે શરીરને જલ્દી નિર્જલીકૃત (dehydrate) કરે છે. આછા રંગના અને સુતરાઉ કપડાં નો યુનિફોર્મ પહેરો જે પરસેવો શોષી શકે., બસની બહાર નીકળતી વખતે ટોપી અથવા સુતરાઉ રૂમાલથી માથું અને કાન ઢાંકીને રાખો., આંખોના રક્ષણ માટે સનગ્લાસ (ધૂપ ચશ્મા) નો ઉપયોગ કરો, જેથી ગરમીની લૂ અને તીવ્ર પ્રકાશથી બચી શકાય.હળવો ખોરાકઃ બપોરના સમયે ભારે કે તેલવાળો ખોરાક ન લેતા, હળવો અને તાજો ખોરાક લેવો, તરબૂચ, ટેટી, દ્રાક્ષ કે કાકડી જેવા ફળો ખાવા જે પાણીથી ભરપૂર હોય., હવાની અવરજવર ડ્રાઈવર કેબિનમાં હવા ઉજાસ રહે તેવો પ્રયત્ન કરવો. જો શક્ય હોય તો નાનો પંખો ચાલુ રાખવો., વિરામ દરમિયાન બસને બને ત્યાં સુધી ઝાડ નીચે કે છાયડામાં પાર્ક કરવી જેથી અંદરનું તાપમાન ઓછું રહે., લાંબા રૂટ પર એન્જિન વધુ ગરમ થતું હોય છે, તેથી ડ્રાઈવરે સીટ પર સુતરાઉ ગાદી કે ચાદર રાખવી જેથી સીટની ગરમી સીધી શરીરમાં ન લાગે., જો ડ્રાઈવિંગ દરમિયાન ચક્કર આવે, અંધારા આવે કે વધુ પડતી નબળાઈ લાગે, તો તરત જ બસને સુરક્ષિત જગ્યાએ ઉભી રાખી દેવી અને આરામ કરવો, કંડક્ટર મિત્રોએ ધ્યાન રાખવું કે જો કોઈ મુસાફરને લૂ લાગે, તો તેમને તરત જ છાયડામાં બેસાડી પાણી આપવું અને તાત્કાલિક જરૂરી મદદ પૂરી પાડવા જણાવાયુ હતુ.
કાર્યક્રમના અંતે સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ. એમ. રૂઘાણી દ્વારા કર્મચારીઓ ને જણાવાયું હતુ કે, જો તમારી તબિયત સારી હશે તો જ તમે મુસાફરોને સુરક્ષિત રીતે તેમના સ્થળ સુધી પહોંચાડી શકશો આથી ગરમીમાં બેદરકારી ન રાખતા પોતાની અને મુસાફરો ની કાળજી લેશો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya