
સુરત, 30 એપ્રિલ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકાની ચુંટણીનાં પરિણામો જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીનાં ઐતિહાસિક વિજય ચર્ચા બાદ, હવે આમ આદમી પાર્ટીની કારમી હાર અંગેના કારણોનું પણ પોસ્ટમાર્ટમ કરવામાં આવી રહ્યું છે. સને 2021માં બે ડઝન જેટલી બેઠકો પર કબ્જો જમાવનાર આમ આદમી પાર્ટી પાંચ વર્ષ સુધી વિરોધ પક્ષમાં રહેવા છતાં પોતાની બેઠકો જાળવી રાખવામાં ધરાર નિષ્ફળ નિવડી છે. ખાસ કરીને આપનાં મોટા માથાઓએ પણ આ ચુંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જેની પાછળ અનેક કારણો જવાબદાર હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. ખાસ કરીને જનતાની વચ્ચે મુળભુત અને પ્રાથમિક મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ આમ આદમી પાર્ટી પ્રારંભથી જ સત્તાનું સુકાન સંભાળવા માટે તત્પર હોવાનું નજરે પડી રહ્યું હતું. આ સિવાય પાયાનાં કાર્યકરોને બદલે વ્હાલા - દવલાંની ટિકીટની ફાળવણીને પગલે આંતરિક વિરોધ પણ ચરમ પર પહોંચ્યો હતો.
સને 2021માં સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં 27 બેઠકો કબ્જે કરીને આમ આદમી પાર્ટીએ ભલભલા રાજકીય પંડિતોને અચંબામાં મુકી દીધા હતા. પાટીદાર અનામત આંદોલનનાં જુવાળમાં ભાજપ અને કોંગ્રેસને હડસેલીને સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં મતદારોએ આમ આદમી પાર્ટીને ખોબલે ખોબલે મતો આપ્યા હતા. અલબત્ત, છેલ્લા પાંચ વર્ષ સુધી વિરોધ પક્ષની ભૂમિકા નિભાવનાર આમ આદમી પાર્ટીનાં જ કોર્પોરેટરોનાં પક્ષપલ્ટા અને વિવાદોને પગલે આ ચુંટણીમાં મતદારોનો મોહભંગ જોવા મળ્યો છે. ખાસ કરીને પ્રજાલક્ષી કામો અને મુળભુત પ્રશ્નો લોકો સુધી પહોંચાડવાને બદલે પ્રારંભથી જ આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકાનું સુકાન સંભાળવા માટે સક્ષમ હોવાનો વધુ પડતો આત્મવિશ્વાસ જ તેમના માટે ઘાતક પુરવાર થયો છે. જેના માથે ચુંટણીની રણનીતિ અને આયોજનો નક્કી કરવાની જવાબદારી હતી તેવા મનોજ સોરઠિયા પણ સૌથી સુરક્ષિત બેઠક પરથી ચુંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેને પગલે અડધું સંગઠન તો એક બેઠક પુરતું જ સીમિત થઈ ગયું હતું. આ સિવાય સમગ્ર ચુંટણીમાં મહિલા સંગઠનની ગેરહાજરી પણ ઉડીને આંખ વળગી હતી. એકમાત્ર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને બાદ કરતાં આમ આદમી પાર્ટીમાં સ્થાનિક નેતાગીરીનો પણ ધરાર અભાવ જોવા મળ્યો હતો. આ સિવાય ટિકીટની વ્હેંચણીમાં પણ વ્હાલા - દવલાની નીતિને પગલે ચુંટણી પૂર્વે જ સંગઠનનાં હોદ્દેદારો પાર્ટીથી વિમુખ થઈ ગયા હતા અને વિરોધનાં ભાગરૂપે કેટલાકે તો રાજીનામા પણ મુકી દીધા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે