
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં દિલ્હીના સંઘ કાર્યાલય ‘કેશવ કુંજ’ના અશોક સિંઘલ સભાગૃહમાં ‘સંઘ ગંગા કે તીન ભગીરથ’ નામના હિન્દી નાટકનું મંચન કરવામાં આવ્યું. આ પ્રસંગે દિલ્હીના કલા, સંસ્કૃતિ અને ભાષા મંત્રી કપિલ મિશ્રા અને સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર ઉપસ્થિત રહ્યા.
‘સંઘ ગંગા કે તીન ભગીરથ’ નાટક સંઘના પ્રથમ ત્રણ સરસંઘચાલકો- ડો. કેશવ બલિરામ હેડગેવાર, માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી) અને બાલાસાહેબ દેવરસના જીવન અને તેમના યોગદાન પર આધારિત છે. નાટક દ્વારા સંઘની સો વર્ષની યાત્રાને સજીવ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં બુધવાર સાંજે આયોજિત આ નાટકનું આ 100મું મંચન હતું.
આ પ્રસંગે મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું, “‘સંઘ ગંગા કે તીન ભગીરથ’ જેવી પ્રસ્તુતિઓ રાષ્ટ્રભક્તિ, સંગઠન, અનુશાસન અને સમર્પણની ભાવનાને સશક્ત કરે છે. ગંગા સમાન આ વૈચારિક અને સાંસ્કૃતિક પ્રવાહ નિરંતર ચાલતો રહે છે અને આ જ પ્રવાહથી સમાજ અને રાષ્ટ્રને નવી દિશા મળે છે. નાટક, મંચન, લેખન અને અન્ય સાંસ્કૃતિક કલાકૃતિઓના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણનું આ કાર્ય સતત આગળ વધતું રહે, એ જ આપણી સામૂહિક જવાબદારી છે.”
આ નાટક શ્રીધર ગાડગે દ્વારા લિખિત અને સંજય પેંડસે દ્વારા નિર્દેશિત છે. આ નાટ્ય કૃતિ એ મહાન વિભૂતિઓના જીવનને જીવંત કરે છે, જેમણે વિપરીત પરિસ્થિતિઓમાં પણ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને એક સશક્ત, અનુશાસિત અને વ્યાપક સંગઠનનું નિર્માણ કર્યું.
સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં આ નાટકના અનેક મંચન દેશભરમાં આયોજિત કરવામાં આવી રહ્યા છે. નાટકનો ઉદ્દેશ્ય રાષ્ટ્રવાદ, સ્વ-અનુશાસન, સામાજિક સમરસતા અને સંઘના ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી અસરકારક રીતે પહોંચાડવાનો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, સામાજિક કાર્યકરો, સાહિત્યકારો, કલાકારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સંઘના 100 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં, 30 એપ્રિલ 2025 થી સમગ્ર દેશમાં આ નાટકનું મંચન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં આ પહેલાં અલગ-અલગ સ્થળોએ આ નાટકનું મંચન કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ