
અમરેલી, 30 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લોના ગ્રામિણ વિસ્તારોમાં ખેતી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. પરંપરાગત ખેતી પદ્ધતિઓથી આગળ વધી હવે ખેડૂતો “વેલ્યુ એડિશન” તરફ વળી રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બજારમાં પાકને યોગ્ય ભાવ ન મળવાના પ્રશ્નો વચ્ચે ખેડૂતો નવીન વિચારધારાથી પોતાના પાકને વધુ મૂલ્યવાન બનાવી રહ્યા છે.
આ બદલાવનું જીવંત ઉદાહરણ સાવરકુંડલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત મનસુખભાઈ ગાજીપરા છે. સામાન્ય રીતે શેરડીનો પાક ખેડૂતો હોલસેલ માર્કેટમાં વેચતા હોય છે, પરંતુ તેમાં યોગ્ય નફો મળતો નથી. મનસુખભાઈએ પણ શરૂઆતમાં આ જ રીત અપનાવી હતી, પરંતુ સતત ઓછા વળતર મળતા તેમણે નવી દિશામાં વિચાર કર્યો.
માત્ર 10મા ધોરણ સુધી અભ્યાસ કરેલા મનસુખભાઈ આજે નવીનતા અને મહેનતના આધારે સફળ ખેડૂત તરીકે ઉભર્યા છે. તેઓ કુલ 15 વીઘા જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કરે છે અને છેલ્લા ચાર વર્ષથી શેરડીની ખેતીમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે. શરૂઆતમાં 2 વીઘામાં શેરડી ઉગાડીને હોલસેલ વેચાણ કરતા હતા, પરંતુ બજારમાં ભાવની અછતને કારણે તેમને યોગ્ય નફો મળતો ન હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનસુખભાઈએ મૂલ્યવર્ધન તરફ વળવાનું નક્કી કર્યું. તેમણે શેરડીનો રસ કાઢવા માટે ચિચોડો (મશીન) ખરીદી અને પોતે જ તાજો શેરડીનો રસ તૈયાર કરીને ગ્રાહકોને સીધું વેચાણ શરૂ કર્યું. આ પગલાંએ તેમની આવકમાં જબરદસ્ત વધારો કર્યો.
હાલ તેઓ એક ગ્લાસ શેરડીનો રસ માત્ર 10 રૂપિયામાં વેચે છે, જેમાં અંદાજે 3 રૂપિયાનો નફો થાય છે. ખાસ વાત એ છે કે માત્ર એક વીઘા જમીનમાંથી તેમને આશરે 1,30,000 થી 1,40,000 રૂપિયાની આવક મળી રહી છે, જે હોલસેલ વેચાણ કરતા ઘણી વધુ છે. આ મોડેલથી તેમણે માત્ર પોતાની આવક વધારી નથી, પરંતુ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મનસુખભાઈનું માનવું છે કે જો ખેડૂત પોતાનો પાક સીધો ગ્રાહકો સુધી પહોંચાડે અને તેમાં મૂલ્યવર્ધન કરે, તો તે વધુ નફો મેળવી શકે છે. આજના બદલાતા સમયમાં કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને નવી રીતો અપનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે.
આ પ્રકારના પ્રયત્નો ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બની રહ્યા છે. અમરેલી જિલ્લાના અનેક ખેડૂતો હવે આ દિશામાં આગળ વધી રહ્યા છે, જે ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકે છે. મનસુખભાઈ ગાજીપરાની સફળતા બતાવે છે કે નવી વિચારસરણી અને મહેનતથી ખેડૂત પોતાની આવક બમણી કરી શકે છે અને કૃષિને વધુ લાભદાયી બનાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai