
- 1 મે દિવસ – ‘આંતરરાષ્ટ્રીય શ્રમયોગી દિવસ’
ગાંધીનગર, 30 એપ્રિલ (હિ.સ.) : કોઈપણ રાષ્ટ્રની પ્રગતિની ઈમારત તેના શ્રમિકોના પરસેવા પર ચણાયેલી હોય છે. તા. 1લી મે એટલે કે ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ એ માત્ર દિવસ નથી, પરંતુ શ્રમની સાધના કરનારા કરોડો કર્મયોગીઓના ઋણ સ્વીકારનો પર્વ છે. જે અન્વયે સમગ્ર વિશ્વમાં દર વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મે માસની 1લી તારીખે ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ કે ‘મે દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત@2047'ના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત આજે શ્રમિક સશક્તીકરણની નવી પરિભાષા લખી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો સુમેળ સાધીને શ્રમિકોને આર્થિક ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં દેશભરમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે.
વર્ષ 2025 ગુજરાતના શ્રમ ઇતિહાસમાં ઐતિહાસિક સુધારાઓનું વર્ષ રહ્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવાળીયાના માર્ગદર્શનમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણો ઘટાડવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘જન વિશ્વાસ બિલ’ અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક સંબંધ અધિનિયમ અને ગુજરાત દુકાન અને વાણિજ્યક સંસ્થા અધિનિયમમાં ગુનાઓના માંડવાળ અને પેનલ્ટીની જોગવાઈઓ દાખલ કરી વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવી છે. આ સુધારાઓથી વેપારીઓ અને ઔદ્યોગિક એકમો માટે કામકાજ સરળ બનશે, જેના પરિણામે શ્રમિકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.
રાજ્યના શ્રમિકોના પ્રશ્નોનું ડિજિટલના માધ્યમથી ઝડપી સમાધાન થાય તે હેતુથી કાર્યરત ‘શ્રમ સેતુ પોર્ટલ’ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા આ પોર્ટલનો લાભ રાજ્યના અનેક શ્રમયોગીઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે, જે શ્રમિકોની આર્થિક સુરક્ષા અને કલ્યાણ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.
આ ‘શ્રમ સેતુ પોર્ટલ’માં ઔદ્યોગિક શ્રમયોગીઓના ગ્રેજ્યુઈટી, પગાર વધારો કે છૂટા કરવા જેવા વિવાદો અથવા અન્ય માંગણીને લગતી અરજીઓ સરળ અને પારદર્શક રીતે ઝડપથી ચલાવવા માટે કેસ એન્ડ ક્લેઈમ મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. આ મોડયુલ થકી વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૫,૫૫૦ અરજીઓ પર પારદર્શક રીતે ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે નિરીક્ષણોથી માંડીને ક્ષતિઓની પૂર્તતા સુધીની તમામ પ્રક્રિયા ઈન્સ્પેક્શન મોડ્યુલ થકી ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં ઔદ્યોગિક સંસ્થાઓ તરફથી પૂર્તતા પણ ઓનલાઇન સ્વીકારવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫માં કુલ ૧૩,૮૧૦ ઓનલાઇન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિવિધ શ્રમ કાયદાઓને લગતી માહિતી તેમજ શ્રમિકોના વિવિધ પ્રશ્નોના સમાધાન માટે શ્રમિક સહાયક કોલ-સેન્ટર હેલ્પલાઇન નંબર ‘૧૫૫૩૭૨’ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના પર વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૧૮,૪૦૨ ફોન કોલ્સ પ્રાપ્ત થયા હતા. આ તમામ કોલ્સ પર યોગ્ય માર્ગદર્શન અને કાર્યવાહી કરી શ્રમિકોનો વિશ્વાસ સંપાદિત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની મધ્યસ્થી અને સમજાવટના પરિણામે વિવિધ ઉદ્યોગ-એકમો દ્વારા શ્રમિકોને લઘુત્તમ વેતન અને બોનસની રેકોર્ડબ્રેક ચૂકવણી કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૧,૨૩૨ સંસ્થાઓના ૭,૬૫૫ શ્રમયોગીઓને રૂ. ૧૧.૧૩ કરોડથી વધુની રકમ વેતન તફાવત તરીકે ચૂકવવામાં આવી છે. વધુમાં, રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે શ્રમયોગીઓને બોનસની રકમ દિવાળીના સમયે મળી રહે તે માટે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૧૨.૪૪ લાખથી વધુ શ્રમિકોને રૂ. ૨૦૨૯.૧૭ કરોડની રકમ બોનસ તરીકે ચૂકવણી કરાવવામાં આવી છે.
ગુજરાત સરકારની આ તમામ યોજનાઓ અને આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના વિકાસમાં પરસેવો પાડતો શ્રમિક આજે એકલો નથી. ટેકનોલોજીના માધ્યમથી શ્રમિકોને સશક્ત બનાવીને ગુજરાત દેશ માટે એક 'રોલ મોડેલ' સ્થાપિત કરી રહ્યું છે. જ્યારે શ્રમિક સમૃદ્ધ હશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે.
ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે વર્ષ ૨૦૨૧થી ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર તા. ૦૧ જાન્યુઆરીથી તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં કુલ ૪ લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવી છે, જે શ્રમિકોને ભવિષ્યમાં સામાજિક સુરક્ષાની યોજનાઓનો લાભ મેળવવા માટે સજ્જ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ