
બોટાદ,30 એપ્રિલ (હિ.સ.)ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નગરજનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં નગરપાલિકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે સમયસર વેરો ભરનાર નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ જાહેરાત મુજબ, નગરપાલિકા દ્વારા એક ખાસ રાહત યોજના અમલમાં મુકવામાં આવી છે, જેમાં નગરજનોને તેમના બાકી રહેલા વેરા સમયસર ભરવા પર 10 ટકા સુધીની રાહત આપવામાં આવશે.
આ યોજના હેઠળ જે નાગરિકો આગામી 31 ઓગસ્ટ 2026 સુધીમાં પોતાનો વેરો ભરશે, તેઓને આ 10% ડિસ્કાઉન્ટનો સીધો લાભ મળશે. નગરપાલિકાનું માનવું છે કે આ પહેલથી નાગરિકોમાં વેરા પ્રત્યે જાગૃતિ વધશે અને લોકો સમયસર પોતાની ફરજ નિભાવશે. સાથે સાથે, નગરપાલિકાને મળતી આવકમાં પણ વધારો થશે, જેનો સીધો ઉપયોગ શહેરના વિકાસ કાર્યોમાં કરવામાં આવશે.
ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ગઢડા શહેરના સર્વાંગી વિકાસ માટે નગરજનોનો સહયોગ અત્યંત જરૂરી છે. રોડ, પાણી, સફાઈ, લાઈટિંગ સહિતની સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. આ માટે આવકનું મહત્વનું સ્ત્રોત વેરો છે, તેથી દરેક નાગરિકે સમયસર વેરો ભરવો જોઈએ.
નગરજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સુવર્ણ તકનો લાભ લે અને 31 ઓગસ્ટ પહેલા વેરો ભરી 10% રાહત મેળવે. સાથે સાથે શહેરના વિકાસમાં પોતાનું યોગદાન આપી એક સ્વચ્છ અને સુવિધાસભર ગઢડા બનાવવા સહભાગી બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT