ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા ઝડપાયા રિયાન પરાગ, મેચ ફીના 25 ટકાનો દંડ
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.): રિયાન પરાગને આઈપીએલ 2026 માં આચારસંહિતાના ઉલ્લંઘનના મામલે મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ (આરઆર) ના કેપ્ટન પરાગને, પંજાબ કિંગ્સ (પીબીકેએસ) સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા પકડાયા બાદ મેચ ફીના 25 ટકા
રિયાન પરાગ


નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.): રિયાન પરાગને આઈપીએલ 2026 માં આચારસંહિતાના ઉલ્લંઘનના મામલે મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ (આરઆર) ના કેપ્ટન પરાગને, પંજાબ કિંગ્સ (પીબીકેએસ) સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા પકડાયા બાદ મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પરાગે આઈપીએલ આચારસંહિતાની કલમ 2.21 નું ઉલ્લંઘન કર્યું છે, જે રમતની છબીને નુકસાન પહોંચાડતા આચરણ સાથે સંબંધિત છે. આ ઘટના મંગળવારે ન્યૂ ચંદીગઢમાં રમાયેલા મુકાબલા દરમિયાન બની હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ 222 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી અને ચાર બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. પરાગે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરી અમિત શર્મા દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે.

બીસીસીઆઈએ એવો પણ સંકેત આપ્યો છે કે, તે આ મામલે વધુ કડક કાર્યવાહીના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, જેથી આઈપીએલની પ્રતિષ્ઠા જળવાઈ રહે. બોર્ડ ટીમ, અધિકારીઓ અને સંબંધિત ખેલાડીઓ સામે કડક પગલાં લઈ શકે છે.

અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે

નોંધનીય છે કે આ પહેલા 10 એપ્રિલના રોજ ગુવાહાટીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિંદર પર ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમણે પોતાની ભૂલને અજાણતા થયેલી ચૂક ગણાવી હતી અને બિનશરતી માફી પણ માંગી હતી.

આ બંને કિસ્સાઓ સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરો દ્વારા બહાર આવ્યા છે, જેના કારણે આઈપીએલમાં શિસ્ત અને નિયમોના પાલનને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande