ચૅમ્પિયન્સ લીગ સેમીફાઈનલ: એટ્લેટિકો મેડ્રિડ અને આર્સેનલ વચ્ચેનો પ્રથમ મુકાબલો 1-1 થી ડ્રો
મેડ્રિડ, નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) યુઈએફએ ચૅમ્પિયન્સ લીગ 2026ની સેમીફાઈનલના પ્રથમ તબક્કામાં એટ્લેટિકો મેડ્રિડ અને આર્સેનલ વચ્ચેનો મુકાબલો 1-1ની બરાબરી પર સમાપ્ત થયો. આ મેચ જ્યાં એક તરફ વ્યૂહાત્મક રીતે રસાકસીભરી રહી, ત્યાં જ ગોલ કરવાની તકો મર્યા
જુલિયન અલ્વારેઝે પેનલ્ટીને ગોલમાં ફેરવી દીધો


મેડ્રિડ, નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) યુઈએફએ ચૅમ્પિયન્સ લીગ 2026ની સેમીફાઈનલના પ્રથમ તબક્કામાં એટ્લેટિકો મેડ્રિડ અને આર્સેનલ વચ્ચેનો મુકાબલો 1-1ની બરાબરી પર સમાપ્ત થયો. આ મેચ જ્યાં એક તરફ વ્યૂહાત્મક રીતે રસાકસીભરી રહી, ત્યાં જ ગોલ કરવાની તકો મર્યાદિત જોવા મળી હતી.

પ્રથમ હાફમાં આર્સનલે સરસાઈ મેળવી હતી. 44મી મિનિટે વિક્ટર જ્યોકેરેસને પેનલ્ટી મળી, જેને તેણે શાનદાર રીતે ગોલમાં ફેરવીને ટીમને 1-0ની સરસાઈ અપાવી દીધી.

જોકે, બીજા હાફમાં એટ્લેટિકો મેડ્રિડે વાપસી કરી હતી. 56મી મિનિટે વીડિયો આસિસ્ટન્ટ રેફરી (વીએઆર) ની મદદથી બેન વ્હાઇટના હેન્ડબોલનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારબાદ જુલિયન અલ્વારેઝે પેનલ્ટીને ગોલમાં ફેરવીને સ્કોર 1-1 કરી દીધો.

ત્યારબાદ બંને ટીમોએ તકો બનાવી હતી, પરંતુ કોઈ પણ સરસાઈ મેળવી શક્યું નહીં. એટ્લેટિકોના એન્ટોની ગ્રીઝમેનનો શોટ ક્રોસબાર સાથે અથડાયો હતો, જ્યારે આર્સનલને મળેલી વધુ એક પેનલ્ટીની તક વીએઆર સમીક્ષા બાદ રદ કરવામાં આવી હતી.

મેચ બાદ એટ્લેટિકો મેડ્રિડના કેપ્ટન કોકેએ જણાવ્યું હતું કે, “અમે પૂરો પ્રયાસ કર્યો. શરૂઆતનો ગોલ પેનલ્ટીથી મળ્યો, જે મને થોડો શંકાસ્પદ લાગ્યો. અમારી પાસે મેચ જીતવાની તકો હતી, પરંતુ હવે નિર્ણય બીજા તબક્કામાં લેવામાં આવશે. તેમનું ડિફેન્સ મજબૂત છે અને આગળ તેમના ખેલાડીઓ ખૂબ ઝડપી છે. અમે અમારી તકોને ઝડપી શક્યા નહીં. અમને આશા છે કે લંડનમાં રમાનારી આગામી મેચ આ સીઝનનો અમારો છેલ્લો મુકાબલો નહીં હોય.”

આર્સનલના ગોલસ્કોરર વિક્ટર જ્યોકેરેસે કહ્યું, “પ્રથમ હાફમાં અમે મેચ પર સારું નિયંત્રણ રાખ્યું હતું. બીજા હાફમાં તેઓએ વધુ સારો ખેલ બતાવ્યો અને કદાચ તેઓ ગોલના હકદાર પણ હતા. એકંદરે આ એક મુશ્કેલ મુકાબલો રહ્યો. હોમ ગ્રાઉન્ડ અને પ્રેક્ષકોના સમર્થન સાથે આગામી મેચ અલગ હશે. અમારે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.”

હવે બંને ટીમો વચ્ચે બીજો તબક્કો 5 મેના રોજ લંડનમાં રમાશે. આ મુકાબલાની વિજેતા ટીમ ફાઇનલમાં પેરિસ સેન્ટ-જર્મન અથવા બાયર્ન મ્યુનિક સામે ટકરાશે. હાલમાં પીએસજી પ્રથમ તબક્કામાં 5-4ની સરસાઈ ધરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande