અલવરમાં એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ, 5 લોકો જીવતા સળગ્યા, ઓળખ કરવી મુશ્કેલ, ગાડીમાંથી માત્ર હાડકાં મળી આવ્યા
અલવર (રાજસ્થાન)/ભોપાલ (મધ્ય પ્રદેશ), નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર અલવર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ચાલતી કારમાં આગ લાગવાથી એક જ પરિવારના પાંચ લોકો જીવતા સળગી ગયા. ડ્રાઈવર ગંભીર રીતે દાઝી ગય
ચાલતી કારમાં આગ


અલવર (રાજસ્થાન)/ભોપાલ (મધ્ય પ્રદેશ), નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર અલવર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ચાલતી કારમાં આગ લાગવાથી એક જ પરિવારના પાંચ લોકો જીવતા સળગી ગયા. ડ્રાઈવર ગંભીર રીતે દાઝી ગયો છે. તેને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત બુધવારે રાત્રે આશરે 11 વાગ્યે મોજપુર પાસે થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના ચેનપુરા ગામનો રહેવાસી પરિવાર, વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. પરિવારે કાર ભાડે લીધી હતી. મોજપુર પાસે પહોંચતા જ કારમાં અચાનક સીએનજી ગેસનું લીકેજ થયું, જેના કારણે તરત જ આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક જ ન મળી. ડ્રાઈવર કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો, પરંતુ તે પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. જાણકારી મળતા જ લક્ષ્મણગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ ઓલવ્યા બાદ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નેકી રામે જણાવ્યું કે, આ ઘટના રાત્રે આશરે 11 વાગ્યાની છે. વાહન સીએનજી અને પેટ્રોલથી સંચાલિત હતું. ગેસ લીકેજને કારણે આગ લાગી હતી, જે જોતજોતામાં ભીષણ બની ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળકીનું ઘટનાસ્થળે જ જીવતા સળગી જવાથી મોત નીપજ્યું હતું. આગ એટલી તીવ્ર હતી કે મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે, જેની ઓળખ ડીએનએ તપાસ દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ઘટનાસ્થળે મેડિકલ ટીમને બોલાવવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન અલવરના પોલીસ અધિક્ષક સુધીર ચૌધરી પણ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મોજપુરમાં એસએસબી ટ્રેનિંગ સેન્ટર પાસે કારમાં અચાનક આગ લાગી હતી. રેસ્ક્યૂ ટીમને આગ ઓલવ્યા બાદ કારમાંથી માત્ર હાડકાં જ મળ્યાં છે. એવી શંકા છે કે, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. અલવરના એએસપી પ્રિયંકા રઘુવંશીના જણાવ્યા અનુસાર, રાત્રે આશરે 11.15 વાગ્યે લક્ષ્મણગઢ પોલીસને કારમાં આગ લાગવાની માહિતી મળી હતી. રાત્રે આશરે 11.30 વાગ્યે ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવામાં આશરે 15 મિનિટનો સમય લાગ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુમાર / ઈશ્વર / મુકેશ તોમર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande