નલિયા મફતનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ચાર શખ્સ ઝડપી પાડ્યા; રોકડ સહિત મુદ્દામાલ જપ્ત
કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) : નલીયા શહેરના મફતનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડી ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ મહ
નલિયા જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) : નલીયા શહેરના મફતનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડી ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા તથા નલીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનિષા દેસાઈ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને મૂળથી નેસ્તનાબુદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાને નલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સતત ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે નલીયાના મફતનગર વિસ્તારમાં રહેતા કિશન કેશુભાઈ રાજગોરના રહેણાંક ઘરના ખુલ્લા આંગણામાં અમુક શખ્સો ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીના આધારે નલીયા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુચિત સ્થળે રેઇડ હાથ ધરી હતી. પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોમાં ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ સતર્ક પોલીસકર્મીઓએ ચારેયને ઘેરી લઈ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૧૦,૨૬૦ તથા જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલ ગંજીપાનાનો એક સંપૂર્ણ જોડ કબ્જે કર્યો હતો. કુલ મળી રૂપિયા ૧૦,૨૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે સ્થળ પરથી જુગાર રમાડવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ પોલીસ હાથે લાગી હતી.

પકડાયેલા આરોપીઓમાં કારૂભાઈ વિશન દેવીપુજક (ઉ.વ.૪૪), જગદીશ સોમાભાઈ દેવીપુજક (ઉ.વ.૩૨), સુનીલ જેસલભાઈ દેવીપુજક (ઉ.વ.૩૨) તથા કિશન કેશુભાઈ રાજગોર (ઉ.વ.૨૭)નો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ નલીયાના મફતનગર વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમગ્ર કામગીરી નલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. લક્ષ્મણસિંહ બનેસંગ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ હેમજી વાઘેલા તથા એલ.આર. પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર જગુભાઈ બાંભવા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસ ઇન્સપેક્ટર વી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande