
જુનાગઢ, 30 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત રાજ્યના પેન્શનર્સ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને જનકલ્યાણકારી પહેલ હાથ ધરી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને ગુજરાત સરકારના નાણાં વિભાગ વચ્ચે થયેલા કરાર (MoU)ના આધારે રાજ્યના 5 લાખથી વધુ પેન્શનર્સને હવે ઘરબેઠાં મફતમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી) મેળવવાની સુવિધા ઉપલબ્ધ થશે. હવે પેન્શનર્સને જીવન પ્રમાણપત્ર ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર નહીં રહે. તેઓને આ સેવા તેમના નજીકના ડાકઘર અથવા પોસ્ટમેન દ્વારા તેમના ઘરઆંગણે જ મફતમાં પૂરી પાડવામાં આવશે.
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને રાજ્ય સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં થયેલા MoUના નવિનીકરણ અંતર્ગત આ સેવા વધુ વિસ્તૃત રીતે અમલમાં મુકાઈ રહી છે. આ યોજનાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે. ગયા વર્ષે ડાક વિભાગ દ્વારા કુલ ૯૩,૦૦૦ પેન્શનર્સને ડિજિટલ જીવન પ્રમાણપત્ર સેવા આપવામાં આવી હતી જેમાંથી ૬૨,૨૫૨ પેન્શનર્સે MoU હેઠળ આ સુવિધાનો લાભ લીધો હતો. આ પહેલથી હવે વધુ વ્યાપક સ્તરે પેન્શનર્સને લાભ મળશે.
વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પ્રારંભ સમયે રજૂ કરાયેલ “બેન્કિંગ સેવાઓ તમારા દ્વાર” વિઝનને આગળ વધારતા ગુજરાત સરકારે આ નવી પહેલ હાથ ધરી છે.
આ સેવા અંતર્ગત ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા દ્વારા ઓળખ) તથા ફિંગરપ્રિન્ટ આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી આધુનિક ડિજિટલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ખાસ કરીને ગ્રામ્ય અને દૂરસ્ત વિસ્તારોમાં રહેતા પેન્શનર્સને સરળ અને સુલભ સેવા મળી શકે. ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવા માટે પેન્શનરે આધાર નંબર, મોબાઇલ નંબર અને PPO નંબર આપવાનો રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને SMS દ્વારા પ્રમાણ ID પ્રાપ્ત થશે, તેમજ તેઓ જીવન પ્રમાણ પોર્ટલ પરથી પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.
આ પહેલથી પેન્શનર્સને મુસાફરી અને સમયની તકલીફમાંથી રાહત મળશે. માત્ર થોડા જ મિનિટોમાં બાયોમેટ્રિક ચકાસણી દ્વારા પ્રમાણપત્ર તૈયાર થઈ જશે અને તેની ડિજિટલ નકલ સંબંધિત પેન્શન કચેરી સુધી પણ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનર્સ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે જે માટે તેઓએ નજીકના ડાકઘર અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવો રહેશે. આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન મારફતે આપવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પોસ્ટ ઓફિસ કાઉન્ટર ઉપરાંત પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા આ સેવા તા. ૦૧ મે ૨૦૨૬ થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી મફતમાં ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત, પેન્શનર્સ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AEPS) મારફતે પોસ્ટમેન દ્વારા ઘરે બેઠાં જ પોતાના બેંક ખાતામાંથી પેન્શનની રકમ ઉપાડી શકશે, જે આ સેવાઓને વધુ સુલભ અને સુવિધાજનક બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ