
નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ): કેન્દ્ર સરકારે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે બાંધવામાં આવી રહેલા એચપીસીએલ ના રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ પ્રોજેક્ટ માટે ખર્ચ અને ઇક્વિટી રોકાણમાં સુધારો કર્યો છે. સુધારેલા પ્રોજેક્ટ ખર્ચ હવે ₹79,459 કરોડ છે.
આ પ્રોજેક્ટ ભારતની ઉર્જા સ્વ-નિર્ભરતા વધારશે અને પેટ્રોકેમિકલ ક્ષેત્રની આયાત પર નિર્ભરતા ઘટાડશે. આ પ્રોજેક્ટ 1 જુલાઈ, 2026 ના રોજ વાણિજ્યિક કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે સુધારાને મંજૂરી આપી. પ્રોજેક્ટ ખર્ચ અગાઉ ₹43,129 કરોડ અંદાજવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) આ પ્રોજેક્ટમાં ₹8,962 કરોડનું વધારાનું ઇક્વિટી રોકાણ પણ કરશે.
કેબિનેટના નિર્ણયો જાહેર કરતા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આનાથી ઉર્જા સુરક્ષા વધશે, પેટ્રોકેમિકલ માટે આયાત નિર્ભરતા ઓછી થશે અને સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે. આનાથી પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે, સ્થાનિક ક્રૂડ ઓઇલનો ઉપયોગ થશે અને ભારતને રિફાઇનિંગ હબ તરીકે સ્થાપિત કરવામાં આવશે. આનાથી રોજગારની નોંધપાત્ર તકો (આશરે 25,000 નોકરીઓ) ઊભી થશે અને એકંદર આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપદરામાં સ્થિત એચઆરએલ, વાર્ષિક 9 મિલિયન મેટ્રિક ટન (એમએમટીપીએ) ની ક્ષમતા ધરાવતું ગ્રીનફિલ્ડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ સંકુલ છે. તેની પેટ્રોકેમિકલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 2.4 મિલિયન મેટ્રિક ટન છે. એચઆરએલ આ પ્રોજેક્ટનો અમલ કરી રહ્યું છે. એચઆરએલ એ એચપીસીએલ અને રાજસ્થાન સરકાર વચ્ચેનું સંયુક્ત સાહસ (જેવી) છે, જેમાં અનુક્રમે 74 ટકા અને 26 ટકા હિસ્સો છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ