
નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ.): કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, ગુજરાતના લોકો વિશેના તેમના તાજેતરના નિવેદનોને લગતા વિવાદ બાદ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. તેમનો ક્યારેય ગુજરાતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.
બુધવારે, ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, કેરળમાં તેમની તાજેતરની ટિપ્પણીઓમાંથી કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આમ હોવા છતાં, તેઓ જવાબદારીપૂર્વક પોતાનો ખેદ વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે, તેમને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધુ આદર રહ્યો છે અને આ આદર એ જ રહેશે. તેમનો ક્યારેય રાજ્યના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.
ઉલ્લેખનીય છે કે, ખડગેએ તાજેતરમાં કેરળના ઇડુક્કીમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, કેરળના લોકો શિક્ષિત અને બુદ્ધિશાળી છે અને તેમને ગેરમાર્ગે દોરી શકાતા નથી. ત્યારબાદ તેમણે વડા પ્રધાન મોદીને સંબોધીને કહ્યું હતું કે, તેઓ ગુજરાત અને અન્ય જગ્યાએ જે અભણ છે, તેમને મૂર્ખ બનાવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ