
નવી દિલ્હી, 01 મે (હિ.સ.)। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક પ્રમુખ નેતાઓએ બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી.
રાષ્ટ્રપતિએ એક્સ પરની પોસ્ટમાં લખ્યું કે, બુદ્ધ પૂર્ણિમાના અવસર પર તમામ દેશવાસીઓ અને સમગ્ર વિશ્વમાં ભગવાન બુદ્ધના અનુયાયીઓને અભિનંદન અને શુભેચ્છાઓ.
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધનું જીવન અને ઉપદેશો કરુણા, અહિંસા અને જ્ઞાનનો માર્ગ પ્રશસ્ત કરે છે. શાંતિ, સદ્ભાવ અને નિઃસ્વાર્થ સેવાનો તેમનો કાલાતીત સંદેશ આજના વિશ્વમાં પણ ઊંડો સુસંગત છે. આ પવિત્ર દિવસ આપણને દયા અપનાવવા, સદ્ભાવ વધારવા અને સૌના કલ્યાણ માટે કામ કરવા માટે પ્રેરણા આપે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, બુદ્ધ પૂર્ણિમા પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, વૈશાખની પૂર્ણિમા માત્ર એક પર્વ નથી, પરંતુ આત્મચિંતન, જાગરૂકતા અને આધ્યાત્મિકતા તેમજ માનવતાના માર્ગ પર નિરંતર ચાલવાનો સંકલ્પ છે. ભગવાન બુદ્ધનું સંપૂર્ણ જીવન ત્યાગ, જ્ઞાન અને કરુણાની અદ્વિતીય યાત્રા હતી. એક એવી યાત્રા જેણે માનવ જીવનના ગૂઢ પ્રશ્નોના સરળ અને વ્યવહારુ ઉકેલો રજૂ કર્યા. ભગવાન બુદ્ધે અહિંસા, સહિષ્ણુતા અને સમભાવને જીવનનો આધાર ગણાવ્યો. તેમનું દર્શન આપણને એવી પ્રેરણા આપે છે કે, આપણે આપણા અંદરના અજ્ઞાન, ક્રોધ અને અહંકારનો ત્યાગ કરીને સત્ય, મૈત્રી અને કરુણાના માર્ગ પર ચાલીએ.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધનું જીવન આપણને સત્ય, અહિંસા અને કરુણાના માર્ગ પર ચાલીને માનવતાના કલ્યાણ માટે સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. તેમનું અમૂલ્ય જ્ઞાન યુગો સુધી માનવ સભ્યતાને આલોકિત કરતું રહેશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અહિંસા અને કરુણાની મૂર્તિ ભગવાન બુદ્ધે સમગ્ર વિશ્વને શાંતિ અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો છે. તેમનું જીવન દર્શન આપણને હંમેશા પ્રેરણા આપતું રહેશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, મહાત્મા બુદ્ધનું જીવન અને તેમના વિચારો સમગ્ર માનવતાને શાંતિ, કરુણા અને આત્મબોધની પ્રેરણા આપે છે. તેમનો સંદેશ આજે અઢી હજાર વર્ષ પછી પણ અત્યંત સુસંગત છે અને ભવિષ્યની પેઢીઓને પણ તેમના વિચારો હંમેશા પ્રેરણા આપતા રહેશે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપનારા ભગવાન બુદ્ધના ઉપદેશો અને પવિત્ર વિચારો હંમેશા આપણને માનવતાની સેવા અને કલ્યાણ માટે પ્રેરિત કરતા રહેશે. સૌ તેમના અમૂલ્ય ઉપદેશોને આત્મસાત કરીને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે લખ્યું કે, બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસર પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન બુદ્ધ દ્વારા પ્રતિપાદિત સત્ય, અહિંસા, સમર્પણ અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના ઉપદેશો માનવજાત માટે અનુપમ ભેટ છે.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ બુદ્ધ પૂર્ણિમા પર જણાવ્યું હતું કે, કરુણા, શાંતિ અને અહિંસાની મૂર્તિ તેમજ બૌદ્ધ ધર્મના પ્રવર્તક મહાત્મા બુદ્ધનું જીવન-દર્શન આપણને સૌને લોભ, મોહ અને ભોગ-વિલાસથી દૂર રહીને સત્ય, સંયમ અને જાગરૂકતાનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપે છે. તેમના દ્વારા પ્રતિપાદિત આર્ય સત્ય અને અષ્ટાંગિક માર્ગ માનવ જીવનને સંતુલન, નૈતિકતા અને આંતરિક શાંતિ તરફ લઈ જાય છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુદ્ધ પૂર્ણિમા પર સૌને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, ભગવાન બુદ્ધનું જીવન અને ઉપદેશો કાલાતીત, શાશ્વત અને સાર્વત્રિક જ્ઞાન ધરાવે છે. સત્ય, કરુણા, અહિંસા, સાવધાની અને સમાનતાના તેમના સંદેશાએ માત્ર આપણી સભ્યતાને જ આકાર નથી આપ્યો, પરંતુ સંઘર્ષ અને અનિશ્ચિતતાથી ભરેલા યુગમાં પણ માનવતાનું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. તેમનો માર્ગ આપણને યાદ અપાવે છે કે આંતરિક શાંતિ એ ન્યાયી અને સુમેળભર્યા વિશ્વનો પાયો છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભગવાન ગૌતમ બુદ્ધનું જીવન દર્શન અને તેમના વિચારો સમગ્ર માનવતા માટે અહિંસા, કરુણા, સત્ય, સામાજિક સમરસતા અને નૈતિકતાનું શિક્ષણ છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ