
નવી દિલ્હી, 01 મે (હિ.સ). જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ, ઉડ્ડયન કંપનીઓ અને ગ્રાહકોને રાહત આપવા માટે વૈશ્વિક ઈંધણના ભાવમાં થયેલા વધારાનો બોજ પોતે ઉઠાવવાનો નિર્ણય લીધો છે. ઓએમસીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઘરેલું ઉડ્ડયન કંપનીઓ માટે વિમાન ઈંધણ (એટીએફ) ની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) એ જણાવ્યું હતું કે, એટીએફના ભાવ દર મહિનાની 01 તારીખે ખર્ચના આધારે સુધારવામાં આવે છે. આઈઓસીએ જણાવ્યું કે, ઘરેલું ઉડ્ડયન કંપનીઓ માટેના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન કંપનીઓ માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આઈઓસીએ માહિતી આપી હતી કે, પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ ગ્રાહકો માટે યથાવત રહ્યા છે.
કંપનીના જણાવ્યા અનુસાર, દેશમાં કુલ વપરાશમાં આ ગ્રાહકોનો હિસ્સો લગભગ 90 ટકા છે. તેવી જ રીતે લગભગ 33 કરોડ ગ્રાહકો માટે એલપીજીના 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) હેઠળ વિતરણ કરવામાં આવતા કેરોસીનના ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કંપનીના જણાવ્યા અનુસાર, કુલ મળીને લગભગ 80 ટકા પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેથી મોટાભાગના ગ્રાહકો માટે સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય. આઈઓસીએ જણાવ્યું હતું કે કિંમતોમાં સુધારો માત્ર તે પસંદગીના ઔદ્યોગિક ક્ષેત્રો પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે, જેમનો વપરાશમાં હિસ્સો પ્રમાણમાં ઓછો છે. આમાં વૈશ્વિક ધોરણોના આધારે નિયમિત માસિક ફેરફારો કરવામાં આવે છે. કંપનીએ જણાવ્યું કે, જથ્થાબંધ અને વ્યાપારી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેનો કુલ વપરાશમાં હિસ્સો 01 ટકાથી પણ ઓછો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ