
અમરેલી,27 મે (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દુઃખદ ઘટના સામે આવી છે. રમતા રમતા પડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી એક વર્ષની માસુમ બાળકીનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવાર તેમજ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
માહિતી મુજબ બાળકી પોતાના ઘરે રમતી હતી ત્યારે અચાનક પડી જતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. પરિવારજનો દ્વારા તાત્કાલિક તેને સાવરકુંડલાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં રિફર કરવામાં આવી હતી.
રાજકોટ ખાતે ડોક્ટરો દ્વારા બાળકીની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેની તબિયત વધુ બગડતાં અંતે તેનું દુઃખદ અવસાન થયું હતું. બનાવની જાણ થતાં પરિવારજનોમાં રડારડનો માહોલ સર્જાયો હતો. માસુમ બાળકીના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કરુણ ઘટનાએ સૌને વ્યથિત કરી દીધા છે અને નાનાં બાળકો પ્રત્યે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai