
અમરેલી, 27 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી કણઝરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાઓમાં જાગૃતિ લાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈ મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર હેઠળ મળતી સહાય અને સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સેન્ટર દ્વારા આપવામાં આવતી પાંચ પ્રકારની મહત્વપૂર્ણ સહાય વિશે સમજાવવામાં આવ્યું હતું. જેમાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને પાંચ દિવસ સુધી આશ્રયની સુવિધા, તાત્કાલિક તબીબી સારવાર, પોલીસ સહાય, કાનૂની માર્ગદર્શન તેમજ માનસિક અને સામાજિક સહકાર જેવી સેવાઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓએ મહિલાઓને કોઈપણ પ્રકારની હિંસા, શોષણ અથવા મુશ્કેલીની પરિસ્થિતિમાં નિર્ભય બની સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.
આ જાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના અધિકારો અને સરકાર દ્વારા ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન અનેક મહિલાઓએ રસપૂર્વક માહિતી મેળવી અને સખી સેન્ટરની કામગીરીને સરાહના વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai