
દમણ, 27 મે (હિ.સ.) : દમણ પોલીસે ડિજિટલ ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને છેલ્લા 25 દિવસ દરમિયાન કુલ 70 ખોવાયેલા અથવા ચોરી થયેલા મોબાઇલ ફોન સફળતાપૂર્વક રિકવર કર્યા છે. આ કામગીરી ભારત સરકારના ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા વિકસાવવામાં આવેલા સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલ મારફતે હાથ ધરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર CEIR પ્લેટફોર્મ દ્વારા ખોવાયેલા અથવા ચોરી થયેલા મોબાઇલ ફોનને ટેકનિકલી બ્લેકલિસ્ટ કરીને તરત જ બ્લોક કરી શકાય છે, જેના કારણે મોબાઇલનો દુરુપયોગ અટકાવી શકાય છે તેમજ ઝડપી રિકવરી શક્ય બને છે.
દમણ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ “મોબાઇલ રિકવરી સ્પેશિયલ ટીમ (MRST)” ની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં TAC Cell, Daman ના સભ્યો તેમજ જિલ્લાના પાંચેય પોલીસ સ્ટેશનોમાંથી 2-2 પોલીસ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા.
ટીમે CEIR પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે વ્યાપક તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી હતી. સતત મહેનત અને સંકલનના પરિણામે કુલ 70 મોબાઇલ ફોન રિકવર કરવામાં સફળતા મળી હતી.
દમણ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આ વિશેષ અભિયાન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે જેથી નાગરિકોને વધુ સારી સુરક્ષા અને સુવિધા મળી રહે.
દમણ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના મોબાઇલ ફોનનો IMEI નંબર સુરક્ષિત રાખે. IMEI નંબર *#06# ડાયલ કરીને અથવા મોબાઇલના બોક્સ પર જોઈ શકાય છે. મોબાઇલ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તેમજ CEIR પોર્ટલ પર માહિતી નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha