
વાપી, 27 મે (હિ.સ.) વલસાડ જિલ્લા ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે.માહિતી મુજબ, ડુંગરા પોલીસ સ્ટેશનમાં૬ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 331 (3 ) તથા 305 (એ) હેઠળ દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. ગુનામાં અજાણ્યા ઈસમોની સંડોવણી હોવાને કારણે પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી ઇન્દ્રજીત રમેશ ખેદારૂ રાજભર , રહે. હાલ ગીતાનગર, ટાંકી ફળિયા, વાપી, મૂળ ઉત્તરપ્રદેશને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ અન્ય ત્રણ સાગરિતો સાથે મળી ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.પોલીસે આરોપી પાસેથી રૂ.39900 ની રોકડ રકમ તેમજ વન પ્લસ કંપનીનો એક મોબાઇલ ફોન મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે ગુનામાં સંડોવાયેલા સુરજ બહાદુર રાજભર, મુકેશ રાજભર અને મનીષ પપ્પુ રાજભર નામના ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કામગીરી ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન. ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.કે. પ્રજાપતી, અ.હે.કો. સમ્રાટ ભુદરભાઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ ટીમ વર્કથી સફળ બનાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha