
અમરેલી,27 મે (હિ.સ.) અમરેલીથી બાબરા વચ્ચે આવેલા નેશનલ હાઈવેને ફોર લેન બનાવવાની માંગ ફરી એકવાર જોર પકડી રહી છે. સામાજિક આગેવાન પ્રા. જે.એમ. તળાવિયાએ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી જગદીશ પટેલ, સ્થાનિક ધારાસભ્ય તથા મંત્રી કૌશિક વેકરિયા તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને ભરત સુતરિયાને રજૂઆત પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે અમરેલી-બાબરા માર્ગ સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ વાહનવ્યવહાર માર્ગોમાંનો એક છે. આ હાઈવે મારફતે અમરેલી, રાજકોટ, જામનગર અને કચ્છ સહિતના જિલ્લાઓ વચ્ચે સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકનો ભારે દબાણ રહે છે. ખાસ કરીને ભારે વાહનો, ટ્રક, ટ્રેલર અને ખાનગી વાહનોની સંખ્યા સતત વધી રહી હોવાથી માર્ગ પર અકસ્માતોની શક્યતાઓ પણ વધી રહી છે.
પ્રા. તળાવિયાએ રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે કે હાલનો માર્ગ ઘણા વિસ્તારોમાં સંકુચિત બન્યો છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી સિઝન દરમિયાન માર્ગ પર ખાડાઓ અને ટ્રાફિક સમસ્યાઓ વધુ ગંભીર બની જાય છે. ફોર લેન માર્ગ બનવાથી મુસાફરી વધુ સુરક્ષિત, ઝડપી અને સુવિધાજનક બનશે તેમજ વેપાર-ઉદ્યોગ અને કૃષિ પરિવહનને પણ ગતિ મળશે.
સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં પણ લાંબા સમયથી આ માર્ગને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવાની માંગ ઉઠી રહી છે. હવે સરકાર આ રજૂઆતને કેટલું મહત્વ આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai