
વલસાડ, 27 મે (હિ.સ.) : ધરમપુરના હનુમાન ફળિયા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે આગામી તા. 28 મે 2026, ગુરુવારના રોજ પાટોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવશે. આ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ મંદિરનું નવનિર્માણ પૂર્ણ થતાં મંદિરને ભવ્ય અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવા મંદિર ખાતે છેલ્લા કેટલાક મહિનાઓથી નિયમિત રીતે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના કારણે ભક્તોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પાટોત્સવ કાર્યક્રમ અંતર્ગત સાંજે ૪:૩૦ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૭:૩૦ કલાકે આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
જલારામ મંદિર પરિવાર દ્વારા ધરમપુર શહેર તથા આસપાસના વિસ્તારોના સર્વે ભક્તજનોને સહપરિવાર ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha