
અમરેલી, 27 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં આ વર્ષે ઉનાળુ તલના પાકની બમ્પર આવક જોવા મળી રહી છે. જિલ્લામાં અંદાજે 55 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં તલનું વાવેતર કરવામાં આવ્યું હતું અને અનુકૂળ હવામાન તેમજ ખેડૂતોની મહેનતના કારણે સારું ઉત્પાદન મળતાં વિવિધ કૃષિ યાર્ડોમાં તલની મોટી આવક શરૂ થઈ છે. સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લાના અમરેલી, બગસરા, સાવરકુંડલા, રાજુલા સહિતના યાર્ડોમાં રોજ મોટી સંખ્યામાં તલની આવક થઈ રહી છે. વેપારીઓ અને નિકાસકારો તરફથી માંગ વધતા સફેદ તલના ભાવ પ્રતિ મણ અંદાજે રૂ.2,300 થી રૂ.2,500 સુધી નોંધાઈ રહ્યા છે. જ્યારે ગુણવત્તાસભર કાળા તલના ભાવ રૂ.3,000 થી રૂ.3,500 સુધી પહોંચતા ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે યોગ્ય વરસાદ, સમયસર વાવેતર અને જીવાત નિયંત્રણના કારણે આ વર્ષે પાકની ગુણવત્તા સારી રહી છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ તલની માંગ સ્થાનિક બજાર ઉપરાંત નિકાસ ક્ષેત્રમાં પણ વધતી હોવાથી ખેડૂતોને આગામી સમયમાં પણ સારા ભાવ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai