બરડા પંથકમાં વર્ક વિઝા આપવાના બહાને 42 લાખ ની છેતરપીંડી
પોરબંદર, 27 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુણવદર ગામના રહેવાસી અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા રામભાઈ સાંજણભાઈ ગોઢાણીયાએ વિદેશમાં વર્ક વિઝા અપાવવાના નામે મોટી છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ફરિયાદ અનુસાર વડોદરાના કાજલ
બરડા પંથકમાં વર્ક વિઝા આપવાના બહાને 42 લાખ ની છેતરપીંડી


પોરબંદર, 27 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુણવદર ગામના રહેવાસી અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા રામભાઈ સાંજણભાઈ ગોઢાણીયાએ વિદેશમાં વર્ક વિઝા અપાવવાના નામે મોટી છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

ફરિયાદ અનુસાર વડોદરાના કાજલ આદિત્યા જોષી, આદિત્ય જોષી અને શ્રેયા પટેલે ઓસ્ટ્રિયા, જર્મની અને નેધરલેન્ડ દેશોમાં નોકરી સાથે વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કુલ 42 લોકો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હતી. ઓસ્ટ્રિયા દેશની વર્ક વિઝા માટે 13 વ્યક્તિઓ પાસેથી કુલ રૂ.21.10 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ જર્મની દેશની વર્ક વિઝા અપાવવાના બહાને બે વ્યક્તિઓ પાસેથી રૂ. 1 લાખ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેધરલેન્ડ દેશની વર્ક વિઝા માટે 28 વ્યક્તિઓ પાસેથી કુલ રૂ.16.90 લાખની રકમ વસૂલવામાં આવી હતી. આ રકમ મુખ્યત્વે આંગડિયા પેઢી મારફતે લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત નેધરલેન્ડની વિઝા પ્રક્રિયા માટે એમ્બેસી ફી અને વિઝા ફીના નામે અલગથી ઓનલાઈન રકમ પણ વસૂલવામાં આવી હતી. જેમાં 28 લોકો પાસેથી રૂ.3.55 લાખથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. આમ અલગ અલગ રીતે કુલ રૂ.42.55 લાખ જેટલી માતબર રકમ આરોપીઓએ મેળવી લીધી હતી.

ફરિયાદીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ તમામ લોકોને ટૂંકા સમયમાં વિઝા પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને વિદેશમાં સારી નોકરી મળશે તેવી ખાતરી આપી હતી. કેટલાક લોકોને ડોક્યુમેન્ટ પ્રક્રિયા અને ઈન્ટરવ્યૂની વાતો કરી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જોકે લાંબા સમય સુધી કોઈ વિઝા મળ્યા નહીં અને આરોપીઓ તરફથી યોગ્ય જવાબ પણ ન મળતા આખરે છેતરપિંડી થયાની શંકા મજબૂત બની હતી. આ મામલે બગવદર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા સમગ્ર નાણાકીય લેવડદેવડ, આંગડિયા મારફતે કરાયેલા વ્યવહારો તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપીઓની ભૂમિકા, અન્ય કોઈ સંડોવણી છે કે નહીં અને અગાઉ પણ આવી રીતે કોઈને શિકાર બનાવ્યા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે તેવી માહિતી પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande