અંજાર પોલીસે ડેબલ ચોરી કરતી આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો, મુખ્ય સૂત્રધાર ઝડપાયો
કચ્છ, 27 મે (હિ.સ.) : અંજાર, દુધઈ અને પધ્ધર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાડી વિસ્તારોમાં બોર પર લગાવવામાં આવેલા ડેબલ અને કેબલ વાયર ચોરીના બનાવો સતત વધી રહ્યા હતા. ખેડૂતોમાં ભય અને ચિંતા ફેલાવનાર આ ચોરીઓને લઈને અંજાર પોલીસ સતત સતર્ક
આંતર જીલ્લા કેબલ ચોરીના આરોપીઓ


આંતર જીલ્લા કેબલ ચોરીના આરોપીઓ


કચ્છ, 27 મે (હિ.સ.) : અંજાર, દુધઈ અને પધ્ધર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાડી વિસ્તારોમાં બોર પર લગાવવામાં આવેલા ડેબલ અને કેબલ વાયર ચોરીના બનાવો સતત વધી રહ્યા હતા. ખેડૂતોમાં ભય અને ચિંતા ફેલાવનાર આ ચોરીઓને લઈને અંજાર પોલીસ સતત સતર્ક બની તપાસ ચલાવી રહી હતી. અંતે પોલીસે મોટી સફળતા મેળવી ડેબલ ચોરી કરતી ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડતાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જૂના દેડીયા વિસ્તારનો એક શખ્સ અંજારની વાડી વિસ્તારમાં ડેબલ ચોરી કરવા માટે ફરતો જોવા મળ્યો છે. આ માહિતીના આધારે પોલીસે મોડસર રોડ નજીક બાવળની ઝાડીઓમાં વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લઈ પૂછપરછ કરતાં શરૂઆતમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછમાં આખરે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

આરોપીએ કબૂલાત આપી હતી કેu તે પોતાના અન્ય સાગરીતો સાથે મળી છેલ્લા એક વર્ષથી અંજાર, દુધઈ, પથ્થર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે બોર પર લગાવેલા ડેબલ અને કેબલ વાયર ચોરી કરતો હતો. આરોપીઓ પહેલા મોટરસાઇકલ અથવા ચારચક્રી વાહનથી વાડી વિસ્તાર સુધી પહોંચતા, ત્યારબાદ બોરના ડેબલ કાપીને તેની આસપાસનું કવર સળગાવી અંદરનું કોપર અલગ કરતા અને પછી આ કોપર ભંગાર વેપારીઓને વેચી દેતા હતા.

પોલીસ તપાસમાં ખુલ્યું કે ગેંગે માત્ર એક-બે નહીં પરંતુ અનેક ગામો અને વાડી વિસ્તારોમાં મળીને ડઝનો ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો. આરોપીઓએ લિંગાળા, બડબ, ગૌશાળા વિસ્તાર, સાપેડા રોડ, રતનાલ બાયપાસ, લુછવા-આમરડી રોડ, મોરગર વાડી, મોટી રેલડી, વાવડી, ધાલેટી સહિત અનેક વિસ્તારોમાં બોરના ડેબલ વાયર ચોરી કર્યાની કબૂલાત આપી છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે ૪૫ કિલોગ્રામ કોપર વાયર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ ચોરીમાં વપરાયેલી મોટરસાઇકલ અને ચારચક્રી ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. કુલ મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. ૧૩ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આ કેસમાં કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે કાર્યવાહી તેજ કરી છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે અને તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે.

અંજાર પોલીસની આ સફળ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે. પોલીસ દ્વારા હજુ પણ વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande