
કચ્છ, 27 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં પ્રોહીબીશન સંબંધિત ગુનામાં છેલ્લા એક મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર રહેલા આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડાઓના માર્ગદર્શન હેઠળ ચાલતી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ દરમિયાન આ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ સતત સક્રિય બની કામગીરી કરી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર રહેલા આરોપી વીપુલસિંહ ગોવુભા જાડેજા, રહેતા ધમડકા તાલુકા અંજારને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હતો અને પોલીસ તેને શોધવા માટે છેલ્લા ઘણા દિવસોથી સક્રિય પ્રયાસો કરી રહી હતી.
પોલીસ દ્વારા આરોપીની અટકાયત બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલી ગુનેગારો વિરુદ્ધની ઝુંબેશને કારણે ફરાર આરોપીઓમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું પણ માનવામાં આવે છે. ભચાઉ પોલીસની આ કામગીરીને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar