



કચ્છ, 27 મે (હિ.સ.) : ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ફરી એકવાર “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્રને સાર્થક કરતી નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારના “CEIR PORTAL”ના ઉપયોગથી ગુમ થયેલા તથા ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત આપતાં અરજદારોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. “તેરા તુજકો અર્પણ” જેવી ભાવનાને જીવંત કરતી આ કામગીરી પોલીસની ટેકનિકલ કુશળતા અને જનસેવાના ભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ દ્વારા જિલ્લામાં ગુમ તથા ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. હેરમા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સતત ટેકનિકલ મોનીટરીંગ હાથ ધર્યું હતું.
અરજદારો દ્વારા પોતાના ગુમ થયેલા મોબાઇલ અંગે અરજી આપ્યા બાદ પોલીસ ટીમે ભારત સરકારના “CEIR PORTAL”ની મદદથી ટેકનિકલ વર્કઆઉટ શરૂ કર્યું હતું. સતત સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે કુલ સાત મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી. અંદાજે રૂ. 1.47 લાખથી વધુ કિંમતના આ મોબાઇલ ફોન અલગ-અલગ વિસ્તારોના અરજદારોને પરત આપવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન પશ્ચિમ બંગાળના નાઝીરપુરથી લઈને ભુજ અને મધાપર સુધીના અરજદારોના મોબાઇલ ટ્રેસ કરવામાં આવ્યા હતા. જેમાં Oppo, Realme, Samsung, Poco, Vivo અને Apple iPhone જેવા મોંઘા સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. પોતાના ગુમ થયેલા ફોન પરત મળતા અરજદારોએ ભુજ બી ડિવિઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ઠાકોર, પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ કરમટા તેમજ ટેકનિકલ મદદનીશ કોટીયા શ્રીઓમ દેવજીભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉપરાંત એ.એસ.આઈ. દિલીપસિંહ સિંધવ, અરવિંદભાઈ વણકર, ભરતભાઈ માજીરાણા, મુકેશભાઈ પટણી, લાલજીભાઈ મકવાણા, મહાવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા અને શ્યામ ગઢવી સહિતની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ હતી.
આ સફળ કામગીરી દ્વારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આધુનિક ટેકનોલોજી અને સતર્ક પોલીસિંગના સમન્વયથી ગુમ થયેલા મોબાઇલ માલિકોને રાહત પહોંચાડી છે. સાથે જ સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar