સતાપર ફાટક પાસે ચોરીના કોપર કેબલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા, અંજાર પોલીસે બાઈક સહિત મુદ્દામાલ કબ્જે કર્યો
કચ્છ, 27 મે (હિ.સ.) : અંજાર શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન અંજાર ટાઉન વિસ્તારમાં સતાપર ફાટક પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા ત્રણ શખ્સોને અંજાર પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પા
સત્તાપર ફાટક કેબલ ચોરી કેસના આરોપીઓ


કચ્છ, 27 મે (હિ.સ.) : અંજાર શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન અંજાર ટાઉન વિસ્તારમાં સતાપર ફાટક પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા ત્રણ શખ્સોને અંજાર પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ખેતીવાડીના બોરમાં ઉપયોગમાં લેવાતા બાળેલા કોપર કેબલનો જથ્થો અને એક પ્લસર બાઈક મળી આવતાં પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. આ સુચનાઓના આધારે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે અંજારના હેમલાઈ ફળિયામાં રહેતા કેટલાક શખ્સો માધવવીલા સોસાયટી સામે આવેલી બાવળની ઝાડી પાસે ચોરીનો કેબલ વાયર સગેવગે કરવાની તૈયારીમાં છે. માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો બાળેલો કોપર વાયર મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓ કોપર વાયર અંગે સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને ગોળમટોળ જવાબો આપતા પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત રૂપિયા 9,100 કિંમતનો 14 કિલો કોપર વાયર તેમજ રૂપિયા 35 હજારની કિંમતની પ્લસર બાઈક મળી કુલ રૂપિયા 44,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાં મામદ હુસેન ફકીર મામદ સૈયદ (ઉ.વ. 46), રફીક ઉર્ફે ચકરી અલીશા શેખ (ઉ.વ. 28) અને નાજીરશા વલીશા શેખ (ઉ.વ. 22)નો સમાવેશ થાય છે. ત્રણેય અંજારના હેમલાઈ ફળિયા વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.એ. જાડેજા, પો.સબ ઈન્સપેક્ટર એસ.જી. વાળા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસે આરોપીઓ સામે બી.એન.એસ.ની કલમ 106 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande