
- એલઆરડી ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત
અમદાવાદ, 27 મે (હિ.સ.) : ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને યોજાશેની સરકારે જાહેરાત કરી છે. 6 જૂનથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શારીરિક કસોટી (ગ્રાઉન્ડ) માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂન, 2026ના રોજ આયોજિત કરવામાં આવશે.
ભરતી બોર્ડના જાહેરનામા ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ઉમેદવારો પરીક્ષા માટેના પોતાના હોલ ટિકિટ એટલે કે કોલલેટર આગામી 6 જૂન, 2026થી ડાઉનલોડ કરી શકશે.
ઉમેદવારોએ આ માટે રાજ્ય સરકારના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ ઓજસ (https://ojas.gujarat.gov.in) પર જઈને વિગતો સબમિટ કરવાની રહેશે. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં આપેલી પરીક્ષા અંગેની તમામ જરૂરી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવા તાકીદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળ (LRD) ની આ ભરતી માટે રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર અરજીઓ કરી હતી. પ્રથમ તબક્કાની શારીરિક યોગ્યતા કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, હવે બીજા અને નિર્ણાયક તબક્કા સમાન લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષાની તારીખ જાહેર થતાં જ ઉમેદવારોમાં ઉત્સુકતા અને આખરી ઓપ આપવા માટેની તૈયારીઓનો વેગ વધી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ