પોરબંદર મેયર તરીકે ચાર્જ સંભાળિયા બાદ સાગર મોદી એક્શન મોડમાં
પોરબંદર, 27 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે સાગર મોદીએ ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં આવી તંત્રને સક્રિય બનાવવાની શરૂઆત કરી દીધી છે. મેયર પદની જવાબદારી મળ્યા બાદ તરત જ મનપાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી શહેરના પ્રાથમિક પ્રશ્
પોરબંદર મેયર તરીકે ચાર્જ સંભાળિયા બાદ સાગર મોદી એક્શન મોડમાં


પોરબંદર, 27 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે સાગર મોદીએ ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં આવી તંત્રને સક્રિય બનાવવાની શરૂઆત કરી દીધી છે. મેયર પદની જવાબદારી મળ્યા બાદ તરત જ મનપાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી શહેરના પ્રાથમિક પ્રશ્નો, ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નવા મેયરની કાર્યશૈલીને લઈને શહેરમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ચોમાસાની ઋતુ હવે નજીક આવી રહી હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી ન સર્જાય તે માટે તાત્કાલિક આયોજન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, ગટરલાઈન, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ મુખ્ય માર્ગોની સફાઈ પર ભાર મુકવામાં આવ્યો છે. શહેરમાં વર્ષોથી વરસાદ દરમિયાન પાણી ભરાવા, ગંદકી અને ટ્રાફિકની સમસ્યાઓ લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. ત્યારે નવા મેયરે શરૂઆતથી જ આ મુદ્દાઓને પ્રાથમિકતા આપતા તંત્રને સજાગ રહેવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે. પોરબંદર શહેરમાં સફાઈ વ્યવસ્થા પણ લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી, કચરાના ઢગલા અને ગટર સમસ્યાને કારણે લોકોમાં નારાજગી જોવા મળતી હતી. ત્યારે મેયર સાગર મોદીએ શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિશેષ આયોજન શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. લોકોના રોજિંદા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે પણ અલગ કાર્યપદ્ધતિ બનાવવાની તૈયારી ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શહેરના વિકાસ સાથે લોકોની અપેક્ષાઓ પણ હવે નવા મેયર પર કેન્દ્રિત થઈ ગઈ છે.

રોડ-રસ્તા, પીવાનું પાણી, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક, સફાઈ અને ડ્રેનેજ જેવા પાયાના પ્રશ્નો ઉકેલવા હવે મેયર માટે સૌથી મોટો પડકાર રહેશે. સામાન્ય જનતા પણ નવા નેતૃત્વ પાસેથી ઝડપી અને પારદર્શક કામગીરીની આશા રાખી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે હવે મેયર સાગર મોદીને “નાયક” ફિલ્મના અભિનેતા જેવી ઝડપી, કડક અને જનકેન્દ્રિત કામગીરી કરવી પડશે. શહેરના પ્રશ્નો વચ્ચે હવે નવા મેયરની કાર્યશૈલી અને નિર્ણયક્ષમતા પર સૌની નજર ટકેલી છે. જો શરૂઆતની આ સક્રિયતા સતત જળવાઈ રહેશે તો આવનારા સમયમાં પોરબંદર શહેરના વિકાસને નવી દિશા મળી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande