
મહેસાણા, 27 મે (હિ.સ.) આજ રોજ મહેસાણા જિલ્લાના કરજીસણ ગામ ખાતે ગૌરવી દિવસ–2026 અંતર્ગત “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી જિલ્લા કક્ષાએ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, આરોગ્ય અને પોષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અવસરે આરોગ્ય વિભાગના અધિકારીઓ, આશા વર્કરો, આંગણવાડી બહેનો તેમજ ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં માસિક દરમિયાન સ્વચ્છતા જાળવવાના ઉપાયો, સ્વચ્છ સેનિટરી પેડના ઉપયોગનું મહત્વ તેમજ મહિલાઓના આરોગ્ય સંબંધી વિવિધ મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી.
મહિલાઓને માસિક સ્વચ્છતા અંગે ખુલ્લેઆમ ચર્ચા કરવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેથી સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર થાય અને આરોગ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે. સાથે સાથે કિશોરીઓને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્તરે યોજાયેલ આ ગૌરવી દિવસ કાર્યક્રમ દ્વારા મહિલાઓના આરોગ્ય અને સન્માનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા ઉપસ્થિતોએ આયોજનને વખાણ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR